અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા એક રેસ્ટોરન્ટમાં આતંક મચાવામાં આવ્યો હતો. જમવાનું પતિ ગયું હોવાની વાત કરતા મર્સીડીઝ કારમાં આવેલા ત્રણ શખ્શોએ રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી. જે અંગે હોટલ માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા હરણ સર્કલ નજીક આવેલી આ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે કેટલાક યુવકો જમવા માટે આવ્યા પરંતુ રેસ્ટોરન્ટ માલિકે જમવાનું પતી ગયાની વાત કરતા અસામાજિક તત્વો ઉશ્કેરાઈને ગાળા ગાળી કરવા લાગ્યા અને થોડી વારમાં તો આ તકરાર મારામારી સુધી પોહચી ગઈ હતી. એટલુ જ નહી હોટલના સ્ટાફ તથા મેનેજરને ડંડાથી માર પણ માર્યો હતો. હોટલમાં લગાવેલા સીસીટીવીમાં આ શખ્સોની તમામ હરકતો કેદ થઈ ગઈ હતી.
હોટેલનાં મેનેજરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવાચક્રો ગતિમાન કર્યા છે. અસામાજિક તત્વો પર જાણે પોલીસનો ડર જ ના હોય તેમ હોટલમાં ઘુસીને તોડફોડ કરવામાં આવી હતી. એટલું નહી પણ થોડી વખતમાં આ શખ્સોએ ૨ કારમાં પોતાના કેટલાક મિત્રોને પણ મારામારી કરવા જ બોલાવી લીધા હતા.
બાદમાં હોટેલનાં સ્ટાફે પ્રતિકાર કરતા આ શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારે આ બનાવ પરથી એટલું ચોક્કસ સાબિત થાય છે કે પોલીસનાં પેટ્રોલિંગનાં દાવાઓ વચ્ચે પણ અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે.