INX કેસ : ચિદમ્બરમની વિરૂદ્ધ ઇડીની અરજી પર આજે સુનાવણી

409

આઈએનએક્સ મિડિયા કેસમાં ફસાયેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આવતીકાલ સુધી આંશિક રાહત મળી ગઇ છે. ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાવાળી ઇડીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઇ શકી ન હતી. કાલે બુધવારના દિવસે મામલાની સુનાવણી થશે. ઇડીની અરજી ઉપર સુનાવણી દરમિયાન ચિમ્બરમના વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચિદમ્બરમની સામે જે પીએમએલએ કાનૂનના ભંગનો આક્ષેપ છે તે ૨૦૦૯માં આવ્યો હતો. આ આધાર પર તેમના અસીલ સામે કોઇ કેસ દાખલ થઇ શકે નહીં. બીજી બાજુ એવા અહેવાલ પણ આવ્યા છે કે, સીબીઆઈ આઇએનએક્સ કેસમાં ચિદમ્બરમને આરોપી નંબર વન બનાવી શકે છે. સાથે સાથે વિદેશી મૂડીરોકાણ બોર્ડ એફઆઈપીબી સાથે જોડાયેલા પાંચ અધિકારીઓની પુછપરછ પણ થઇ શકે છે. સિંઘવીએ આજે તર્કદાર દલીલો કરતા કહ્યું હતું કે, ચિદમ્બરમની સામે અપરાધના આરોપ ૨૦૦૭ના છે. આવી સ્થિતિમાં કાયદો ૨૦૦૯માં આવ્યો હતો જેથી એ કાયદાને આમા કઇ રીતે સામેલ કરી શકાય છે. સિંઘવીએ કહ્યું હતું કે, આરોપીની કસ્ટડી માટે ઇડી દ્વારા તમામ રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે પરંતુ ઇડી પોતાની ચાલબાજીથી પાછલા બારણેથી દસ્તાવેજો રજૂ કરી શકે નહીં. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી બેંચ સમક્ષ ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ સંદર્ભમાં તેઓએ એક અરજી દાખલ કરી છે જેમાં છેલ્લા વર્ષે ૧૯મી ડિસેમ્બર, પહેલી જાન્યુઆરી, ૨૧મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે ચિદમ્બરમની કરવામાં આવેલી પુછપરછની વિગત છે.

આના સંદર્ભમાં પુછપરછ સાથે સંબંધિત વિસ્તૃત માહિતી રજૂ કરવા ઇડીને આદેશ આપવા માટે અપીલ કરવામાં આવી છે. સિબ્બલે કહ્યું હતું કે, આ લેખિત નિવેદનથી જાણી શકાશે કે ચિદમ્બરમે પુછપરછ દરમિયાન કોઇ પ્રશ્નોના જવાબ ટાળવાના પ્રયાસ કર્યા હતા કે કેમ. ઇડી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા માટે ઇડી પોતાની ઇચ્છાશક્તિથી કોઇ દસ્તાવેજો રજૂ કરી શકે નહીં. સિબ્બલે કહ્યું છે કે, અચાનક દસ્તાવેજો રજૂ કરવામાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ કેસ ડાયરીના એક હિસ્સા તરીકે છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇડીની એફિડેવિટમાં ચિદમ્બરમે પોતાના જવાબમાં કહ્યું છે કે, ઇડી દ્વારા જે સંપત્તિ અને બેંક ખાતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ કાયદેસરના છે. સીબીઆઈ આઇએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમને આરોપી બનાવી શકે છે. એવા અહેવાલ પણ છે કે, કોર્ટ ચિદમ્બરમના લાઈવ ડિટેક્ટ ટેસ્ટ પણ કરી શકે છે. સુત્રોના કહેવા મુજબ પુછપરછમાં ચિદમ્બરમ હાલ ટાળવા મુજબના જવાબ આપી રહ્યા છે. ચિદમ્બરમ આઇએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. દિલ્હીની ખાસ સીબીઆઈ કોર્ટે સોમવારના દિવસે તેમની કસ્ટડીની અવધિને ૩૦મી ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. ચિદમ્બરમની વચગાળાની જામીન અરજી રદ કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ૨૦મી ઓગસ્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. આ મંજુરી એ વખતે અપાઈ હતી જ્યારે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ગુરુવારના દિવસે જ ટ્રાયલ કોર્ટ દ્વારા ચિદમ્બરમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સોલીસીટર જનરલ દ્વારા દાવો કરાયો છે કે, પુરાવા દર્શાવે છે કે, માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ સંપત્તિ ખરીદવામાં આવી છે.

Previous articleRBIએ સરકારને આપેલ ૧.૭૬ લાખ કરોડ ૫ ક્ષેત્રોમાં કામ લાગશે
Next articleઅનિદ્રાથી બચવા માટે