કોળીયાક મેલામાં ભવ્ય પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાશે

1013

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયને આધિન ગુજરાત પ્રદેશના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા આગામી વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ મેળાઓમાં કુલ ૩૩ જેટલા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન આઉટરીચ પ્રોગ્રામ (લોક સંપર્ક કાર્યક્રમ)નું આયોજન થવા જઇ રહ્યું છે. જે અંગેની માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સનું આયોજન ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કરવાં આવ્યું. પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય,અમદાવાદના નાયબ નિયામક નવલસંગ પરમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાતા વિવિધ લોકમેળાઓમાં લઘુ, મધ્યમ અને મોટા પ્રકારના આઇસીઓપીનું આયોજન કરવામા આવનાર છે. જેમાંનો પ્રથમ કાર્યક્રમ ભાવનગરના કોળિયાક મેળામાં ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ યાજાઇ રહ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે સાચી અને સચોટ માહિતી સાથે આવશ્યક માર્ગદર્શન છેવાડાના માનવી સુધી પહોંચે તે છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગૃતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે.  જે માટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ  રહેશે. કોળિયાક ખાતેના મેળામાં ‘સ્પષ્ટ ઇરાદા નિર્ણાયક પગલાં’ થીમ સાથે મોદી ૨.૦ સરકારના ૭૫ દિવસની કાર્ય સિદ્ધિ પર પ્રદર્શન યોજાશે. સાથે જ મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મ જયંતિ વર્ષને અનુલક્ષીને બાપુના જીવન અને કવન પર પ્રદર્શન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ કોળિયાક ગ્રામ પંચાયતના સહયોગ સાથે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

Previous articleલોકોને ગુણવત્તાવાળી દવા અને ખાદ્ય ચીજો પુરી પડાશે
Next articleગુજરાતમાં ભારે વરસાદ : છોટાઉદેપુરમાં ૮ ઇંચ