વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ આગામી તા.૨જી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થનાર છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા શહેર સહિત રાજયભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશભકતો દાદાના વિશાળ પંડાલ અને શામિયાણા ઉભા કરવામાં અને ગૌરીપુત્ર ગણેશજીની મૂર્તિઓ ખરીદવામાં વ્યસ્ત બન્યા છે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્બુધ્ધિ, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરના ગણેશભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસ સુધી દુંદાળા દેવનો મહોત્વસ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ગણેશભકતો દ્વારા મનાવવામાં આવશે. ગણેશ મહોત્સવને લઇ અમ્યુકો તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ખાસ કરીને સાબરમતી નદીમાં આ વર્ષે મૂર્તિઓ નહી પધરાવવા દેવા તંત્રએ ખાસ ફરમાન જારી કર્યું છે અને તેને લઇને પણ તંત્ર એકદમ સજ્જ છે. બીજીબાજુ, અમ્યુકો, ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર ગણેશ મહોત્સવને લઇ છેલ્લા દિવસે ગણેશ મૂર્તિઓની વિસર્જન વ્યવસ્થા અને વિશાળ આર્ટિફિશીયલ કુંડ, સુરક્ષા અને સલામતી સહિતની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં જોતરાયા છે. ભાદ્રપદની શુકલપક્ષની ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા સેંકડોની સંખ્યામાં દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્ રીતે સ્થાપન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આ વખતે ચારેક હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન થાય તેવો અંદાજ છે. પાછલા કેટલાક વર્ષોથી મુંબઇની જેમ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ ગણેશ મહોત્સવનો ક્રેઝ લોકોમાં ખાસ કરીને ગણેશભકતોમાં ખૂબ જ વધતો જાય છે. દાદા પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા વધવાની સાથે સાથે શહેર સહિત રાજયભરમાં દાદાના પંડાલ અને ગણેશ સ્થાપનાની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે. શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ગણેશ ભકતો દાદાની મૂર્તિઓ ખરીદવાનું આયોજન કરી રહ્યા છે. મોટી ટ્રકો, ટેમ્પા સહિતના વાહનોમાં વિધ્નહર્તા દેવની અવનવી, આકર્ષક અને મનમોહક મૂર્તિઓ પોતાના પંડાલમાં સ્થાપન માટે લાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. શહેરના ભદ્ર-લાલદરવાજા, નવા વાડજમાં ભીમજીપુરા ચાર રસ્તા પાસે, મેમનગરમાં તરૂણનગર પાસે, ગુરૂકુળ રોડ પર, શાહપુર હલીમની ખડકી પાસે સદાશિવ મંદિર પાસે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, નારણપુરા, નવરંગપુરા, મણિનગર, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, બાપુનગર, મેૅઘાણીનગર, અમરાઇવાડી, નિકોલ સહિતના વિસ્તારોમાં દાદાના વિશાળ મંડપો, પંડાલ અને શામિયાણા અવનવા આકર્ષણો સાથે તૈયાર કરાઇ રહ્યા છે.
દસ દિવસ સુધી ગણપતિદાદાનું ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે પૂજન કરી દાદાનો મહોત્વસ રંગેચંગે મનાવાશે અને છેલ્લે અનંતચતુર્દશીના દિવસે દાદાની મૂર્તિઓનું ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લવકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજોના નારા સાથે વિસર્જન કરવામાં આવશે. તા.૨જી સપ્ટેમ્બરથી દસ દિવસ સુધી હવે શહેર સહિત રાજયભરમાં ગણેશ મહોત્સવને લઇ ગણેશભકિતનો માહોલ છવાશે.