૨૩ આઈલેન્ડ બેટને પ્રવાસ ધામ સ્વરુપે વિકસિત કરાશે

420

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રથમ બેઠકમાં રાજ્યના પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ર૩ આઇલેન્ડ-બેટનો પ્રથમ તબક્કામાં પ્રવાસન ધામ સહિત હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટેનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ જેટલા આઇલેન્ડ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે ત્યારે ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને  સુસંગત આ આઇલેન્ડના સર્વગ્રાહી વિકાસ માટેની વિશદ ચર્ચા-વિચારણા આ પ્રથમ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જે ર૩ આઇલેન્ડમાં પ્રવાસન, પર્યાવરણીય સુરક્ષા, મત્સ્યોદ્યોગ, ખેતીવાડી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો વિકાસ થવાનો છે તેમાં સ્થાનિક રોજગારી અને સ્થાનિક વસાહતી-નાગરિકોની જરૂરિયાતો ધ્યાને રાખવાનું પણ પ્રેરક સૂચન કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વન-પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ આ ર૩ બેટ-આઇલેન્ડમાં વિગતવાર સર્વે હાથ ધરીને પ્રવાસન વિકાસ સાથે પર્યાવરણીય જાળવણી માટે વન પર્યાવરણ, બંદર વ્યવહાર, ઊર્જા અને મત્સ્યોદ્યોગ તથા માર્ગ મકાન વિભાગ સાથે મળીને કયા કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તેના ક્ષેત્રો આઇડેન્ટીફાય કરે તેવી સુચનાઓ પણ આપી હતી.

તેમણે આઇલેન્ડ ડેવલપમેન્ટ સાથોસાથ દરિયાઇ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બેટ પર સમુદ્રી સુરક્ષા -કોસ્ટલ સિકયુરિટી સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ ફોકસ કરે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્યના આ બેટના પ્રવાસન વિકાસ માટે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના તહેત ફંડ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઇ હતી. મુખ્ય સચિવ જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, નાણાં, ગૃહ, વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવઓ તેમજ ઊદ્યોગ, પ્રવાસન, બંદરો-વાહન વ્યવહારના અગ્ર સચિવો અને મેરીટાઇમ બોર્ડના સીઈઓ, મત્સ્યોદ્યોગ સચિવ તથા જી.આઇ.ડી.બી.ના સીઈઓએ પણ બેઠકની ચર્ચાઓમાં ભાગ લીધો હતો. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી છે. આ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી તેમજ સભ્યો તરીકે નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન, વન-પર્યાવરણ મંત્રી, ગૃહ રાજયમંત્રી, સહિત ૧૪ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે.

Previous articleપશુપાલન અને ડેરી ઉદ્યોગ વધુ સમૃદ્ધ બનાવવા નિર્ધાર
Next articleગણેશ ઉત્સવને લઇ રાજયમાં તૈયારીઓ : શ્રદ્ધાળુ ઉત્સાહિત