ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી બરવાળા ખાતે મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોટાદ જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઈ હતી જેમાં આશિષકુમાર (કલેકટર બોટાદ), કે. વી. કાતરીયા, પી.પી.શાહ ,ધારાશાસ્ત્રીઓ,જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.અને જરૂરી સુચન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે આશિષકુમાર એ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને તેમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અને મહિલાઓના માર્ગદર્શન માટે ઉપલબ્ધ સ્ટાફની જાણકારી મેળવતાં જણાવ્યું હતુ કે, આ સેન્ટરમાં આવતી પીડીત મહિલાઓને હકારાત્મકતા સાથે સુરક્ષાની લાગણી થાય તેવા વાતાવરણનું આપણે નિર્માણ કરવું પડશે.આ સેન્ટરમાં આવતી ઘરેલું હિંસા કે અન્ય પ્રકારની હિંસાથી પીડીત મહિલાઓને આત્મીયતા સાથે તમામ પ્રકારની મદદ મળી રહે તે જરૂરી છે, તેમ જણાવી આ વન સ્ટોપ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી તેમની કામગીરી બાબતે વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી સૂચન કર્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરમાં પીડીત મહિલાઓને વિનામૂલ્યે મળતી કાયદાકિય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, હેલ્પલાઈન, સામાજિક સમસ્યામાં પરામર્શ તેમજ હંગામી ધોરણે આશ્રય સહિતની વિવિધ બાબતોની વિગતો મેળવી હતી.