આજના યુગમાં પરિવારમાં પોતાના માતા પિતા પણ સચવાતા નથી. અને મોટાભાગના માણસોને વડીલો માટે સમય જ નથી. ત્યારે ભાવનગરમાં આવેલ ઓમસેવા ધામસંસ્થાની સેવાભાવી ટીમને સલામ કરૂ છું. કારણ કે બીજાના માતા પિતાને પોતાના સમજી અનન્ય સેવા થઈ રહી છે. ધન્ય છે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ સર્વ સભ્યોને કે નિરાધાર વડીલોની ખુશી માટે આટલું સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ યુગમાં નિઃસહાય વડીલોની ચિંતા કરી તેની સંભાળ રાખનાર ઓમસેવા ધામસંસ્થા ગૌરવગાથા સમાન છે. તેમ ભાવનગર રેન્જના ડી.આઇ.જી અશોકકુમાર યાદવએ ’વડીલોના દ્વારે કૃષ્ણ પધારો’ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધિત કરતા જણાવ્યું હતું.
ઓમસેવા સંસ્થા દ્વારા મેઘાણી હોલમાં આયોજિત કાર્યક્રમમાં ૧ થી ૩ ક્રમમાં શ્રેષ્ઠ કૃષ્ણ વેશભૂષા એવોર્ડ અને શ્રેષ્ઠ યશોદા માતા વેશભૂષા એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે રાસ ગરબા, હુડો રાસ, તલવાર રાસ, કૃષ્ણ સંગીત નૃત્ય, ગીત ગુલાલ જેવી કૃતિ ઓએ કૃષ્ણપ્રેમી શ્રોતાઓના મન મોહી લીધા હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે એક બે નહિ પુરા ૧૦૮ બાળકૃષ્ણ-માતા યશોદા એ સૌકોઈ ને મંત્રમુગ્ધ કર્યા હતા. અવનવા પોષાકમાં શોભતા નટખટ બાળકૃષ્ણને નિહાળીને વડીલો પણ ઝૂમી ઉઠ્યા હતા.
કાર્યક્રમના અતિથિવિશેષ પદેથી ખોડીયાર પીઠાધીશ્વર મહામંડલેશ્વર ૧૦૮ પૂજ્ય ગરીબરામબાપુ એ તપસીબાપુની જગ્યાના મહંત પૂજ્ય સ્વામી રામચંદ્રદાસબાપુ મહાપાલિકા કમિશનર એમ એ ગાંધી તથા મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલે કાર્યક્રમને શોભાવવા બદલ બાલકૃષ્ણ અને તેના વાલીઓને બિરદાવ્યા હતા. કૃષ્ણ આનંદોત્સવ અંતર્ગત કાર્યક્રમને શહેરીજનોએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વિજયભાઇ કંડોલિયા, અમીબેન મહેતા, વર્ષાબેન ગોહિલ, પ્રીતિબેન મૈયાણી, હેતલબેન પંડ્યા, બીપીનભાઈ ઝાલા વગેરે જહેમત ઉઠાવી હતી.