દીકરીને પ્રેમ કરતા પ્રેમીને પરિવારજનોએ આજે તારો છેલ્લો દિવસ છે, તેવી ધમકી આપીને માર માર્યા બાદ રહસ્યમય ગુમ થઇ ગયેલા યુવાનની બાઇક હોસ્પિટલની ફાઇલ અને મોબાઇલ ફોન ફાજલપુર મહી નદીના બ્રિજ ઉપરથી મળી આવ્યો હતો.
યુવાને મહી નદીના ધસમસતા પાણીમાં ઝંપલાવતા પૂર્વે સેલ્ફી લઇને વોટ્સએપ સ્ટેટસ ઉપર મૂકીને પોતાની જીવાદોરી ટુંકાવી લીધી હોવાનું પ્રાથમિક તબક્કે મનાય છે. જોકે, યુવાનના પરિવારજનોએ યુવતીના પરિવારજનો તેનું અપહરણ કરી જઇ તેને નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસે મોડી રાત્રે તરૂણની શોધખોળ માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ મહી નદીમાં પૂરની સ્થિતી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા રાત્રે શોધખોળ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, આજે સવારે ફાયર બ્રિગેડ દ્વારા મહી નદીમાં લાપતા થયેલા તરૂણ સોલંકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મહી નદીમાં લાપતા તરૂણ મળી આવ્યો ન હતો.
બીજી બાજુ મહી નદીમાં મોતનો ભુસકો મારનાર તરૂણના પિતા લાલજીભાઇ સોલંકીએ પુત્રની પ્રેમિકાના પિતા સહિત પરિવારજનો પુત્ર તરૂણના મોત માટે જવાબદાર હોવાનો આક્ષેપ મૂકતી ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધરે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.