બનાસકાંઠામાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડવાના કારણે બેના કરૂણ મોત થયા છે. બંને મૃતકોની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક જીવજંતુઓ તેમના દરમાંથી બહાર આવી જતા હોય છે. જેમાં સૌથી વધુ સાપ જોવા મળતા હોય છે. દરમિયાન આજે બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડતા બેના કરૂણ મોત નિપજ્યા છે.
જેમાં કાંકરેજ તાલુકાના જમના પાદર ગામમાં વિક્રમ ઠાકોર નામનો ૧૧ વર્ષીય બાળક પોતાના ઘરમાં બેઠો હતો. આ સમયે અચાનક ઝેરી સાપ કરડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે તેના પરિવારજનોએ તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો .પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત દાંતામાં પણ સંતોષ મેડા નામના યુવકને સાપ કરડતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે દાંતા અને ત્યાર બાદ તેની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડાયો હતો.
પરંતુ તેને પણ આખા શરીરે ઝેર ફેલાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડતા આશાસ્પદ બાળક અને યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.