અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં વરસાદ બાદ હવે કોર્પોરેશન તંત્રએ બનાવેલા રોડમાં પોલમ પોલ સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ હાલ બિસ્માર બની ગયા છે. શહેરમાં ચાલુ સિઝનમાં પડેલા ધોધમાર ના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી ઓસરતા રોડ ધોવાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. ડિસ્કો રોડ બની ગયેલા આ રસ્તા શહેરી જનોના હાડકા ખોખરા કરી નાખે તો નવાઈ નહીં.
અમદાવાદના બોપલ ઘુમા રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. અને રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોએ વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને જેવો વરસાદ પડે છે. આ ખાડાઓમાં પાણીના ખાબોચિયા ભરાય જાય છે. જેથી વાહનચાલકો સહિત અહી રહેતા લોકો અવરજવર કરનારા રાહદારીઓ ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
માત્ર બોપલ ઘુમા રોડ જ નહિ શહેરના દાણીલીમડા, વાસણા, અંજલી ચારરસ્તા, પાલડી સહિત નિકોલ, નરોડા, બાપુનગર, રખિયાલ તમામ જગ્યાએ રસ્તાઓ બિસ્માર બન્યા છે. પરંતુ તેમ છતા તંત્રના પેટનું પાણી હાલતું નથી.