જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ આને લઇને વિરોધના સુરમાં રહેલા કોંગ્રેસી નેતાઓની ગુલાંટ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ તેમના પર તીવ્ર પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર ક્યારેય રાજનીતિ થવી જોઇએ નહીં. કારણ કે આના કારણે પાકિસ્તાન સહિતના દુશ્મન દેશો લાભ ઉઠાવી શકે છે. જમ્મુ કાશ્મીર પર રાહુલ ગાંધીના નરમીવાળા નિવેદન પર ભાજપે હવે પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીના નિવેદનને લઇને પાકિસ્તાને લાભ ઉઠાવવાના પ્રયાસ કર્યા હતા. રાહુલના નિવેદનો પાકિસ્તાને ભરપુર ઉપયોગ કર્યો હતો. નકવીએ કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ કાશ્મીરના મુદ્દા પર નિવેદન કરીને નાદાની કરી હતી. પાકિસ્તાને તેમના નિવેદનને લઇને ઉશ્કેરણીજનક કૃત્યો કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર રાજ્યમાં દશકોથી રોકાયેલા વિકાસના ગેપને દુર કરવા માટે પ્રયાસ કરી રહી છે. કાશ્મીરના મુદ્દા પર નિવેદનબાજી કરીને કોઇ દુવિધા ઉભી કરવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. રાહુલ ગાંધીના ટ્વીટ બાદ કોંગ્રેસી પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ હતુ કે આમાં કોઇ શંકા હોવી જોઇએ નહીં કે જમ્મુ કાશ્મીર અને લડાખ ભારતના અખંડ હિસ્સા તરીકે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા પ્રચારથી આ બાબત બદલાઇ શકે તેમ નથી.
મોદી સરકારમાં કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યુ છે કે દરેક જગ્યાએ પીછેહટનો સામનો કર્યા બાદ હવે પાકિસ્તાનની છેલ્લી આશા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જ રહી ગઇ છે. ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભસ્માસુર બનવાના પ્રયાસો કરવા જોઇએ નહીં. આનાથી તેમને કોઇ ફાયદો થનાર નથી. દરમિયાન ભાજપના અન્ય એક નેતા અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ બાદ કેટલાક પ્રશ્નો કર્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ દબાણમાં આવીને નિવેદન બદલી દીધું છે. રાહુલ ગાંધી પાકિસ્તાનના હાથમાં રમી રહ્યા છે. ભાજપે રાહુલ અને કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી છે. બીજી બાજુ ભાજપના આ પ્રહાર પર કોંગ્રેસે પણ વળતા આક્ષેપો કર્યા છે. પ્રકાશ જાવડેકર અને નકવીએ આજે રાહુલ પર પ્રહારો કર્યા હતા.