સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ને નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવેલો ખાસ દરજ્જો પરત લઇ લેવામાં આવ્યા બાદ આને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ હવે કલમ ૩૭૦ની નાબૂદીને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજીઓને પાંચ જજની બંધારણીય બેંચને સોંપી દીધી છે. પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કાયદેસર નિર્ણયને પડકાર ફેંકતી અરજીઓ બંધારણીય બેંચને સોંપી દીધા બાદ આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે. રાષ્ટ્રપતિના આદેશને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓના આધાર પર કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને નોટિસ ફટકારાયા બાદ આ મામલામાં સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચ કેન્દ્રના એવા મત સાથે સહમત નથી કે, આ મામલામાં નોટિસ જારી કરવાની કોઇ જરૂર નથી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી જોરદાર રજૂઆતો કરવામાં આવી હતી. સોલીસીટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કેકે વેણુગોપાલ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જસ્ટિસ એસએ બોબડે અને એસએ નજીરની બનેલી બેંચે કહ્યું હતું કે, અમે આ મામલાને પાંચ જજની બંધારણીય બેંચને સોંપી રહ્યા છીએ. એવી દલીલો અમે સ્વીકારી રહ્યા નથી કે, નોટિસ જારી કરવાની બાબત ક્રોસબોર્ડર રજૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. એટર્ની જનરલે કહ્યું હતું કે, કોર્ટ દ્વારા જે કંઇપણ વાત કરવામાં આવી છે તે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મોકલવામાં આવી ચુકી છે. બંને પક્ષો તરફથી ઉપસ્થિત થયેલા વકીલોએ જોરદાર દલીલો અને વળતી દલીલો કરી હતી. બેંચે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે અમને શું કરવું જોઇએ. અમે એક આદેશ આપી રહ્યા છીએ. કોઇ ફેરફાર કરવા જઈ રહ્યા નથી.
તેમણે કહ્યું હતું કે, તમામ મામલા પર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કલમ ૩૭૦ને નાબૂદ કરવા સાથે સંબંધિત રાષ્ટ્રપતિના આદેશને પડકારતી પ્રથમ અરજી વકીલ એમએન શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે જે જમ્મુ કાશ્મીરમાંથી અન્ય વકીલ શકીર શબ્બીરની જેવી જ રજૂઆત છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાંથી મુખ્ય રાજકીય પાર્ટી નેશનલ કોન્ફરન્સ દ્વારા પણ ૧૦મી ઓગસ્ટના દિવસે અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યના દરજ્જામાં કરવામાં આવેલા ફેરફારથી તેમના જનમત વગર પણ નાગરિકો પાસેથી અધિકારો આંચકી લેવામાં આવ્યા છે. તર્કદાર દલીલોનો દોર આજે ચાલ્યો હતો. અન્ય એક અરજી લોકસભાના સભ્ય અને નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસુદી દ્વારા દાખલ કરવામાં આવી છે. મોહમ્મદ અકબર લોન દ્વારા પણ એક અરજી દાખલ કરવામાં આવી છે. લોન જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ છે જ્યારે મસુદી જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિવૃત્ત જજ તરીકે છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના નિવૃત્ત જજ મસુદીએ ૨૦૧૫માં ઠેરવ્યું હતું કે, કલમ ૩૭૦ બંધારણની કાયમી વ્યવસ્થા તરીકે છે.