જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરની સ્થિતિને લઇને પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, “છેલ્લા ૨૪ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં એક પણ વ્યક્તિનો જીવ નથી ગયો. આ આપણા માટે ઉપલબ્ધિ છે.” તેમણે કહ્યું કે, “અમારું મુખ્ય ધ્યાન જમ્મુ-કાશ્મીરની કાયદાકીય વ્યવસ્થા છે અને આમાં અમે સફળ રહ્યા છીએ.” રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં ઇન્ટરનેટનાં પ્રતિબંધ પર કહ્યું કે, “ઇન્ટરનેટ આતંકવાદીઓ અને પાકિસ્તાન માટે હથિયાર બની ગયુ હતુ.”
તેમણે કહ્યું કે, “અમે કુપવાડા અને હંદવાડામાં મોબાઈલ ફોન સેવા ચાલૂ કરવા જઇ રહ્યા છીએ, જલદી અન્ય જિલ્લાઓમાં પણ મોબાઈલ ફોન કનેક્ટિવિટી ચાલૂ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે, “૬ મહિનાની અંદર જમ્મુ-કાશ્મીરની અંદર ઘણું વધારે કામ થવાનું છે. કેન્દ્રનાં વિભિન્ન મંત્રાલયોમાં આ માટે બેઠક થઇ રહી છે.” રાજ્યપાલે કહ્યું કે, “કાશ્મીર વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કાશ્મીરમાં પ્રદર્શન દરમિયાન કોઈનું પણ મોત નથી થયું. સરકારનો પ્રયત્ન છે કે રાજ્યમાં વિકાસનાં કામો થાય. રાજ્યમાં આર્થિક વિકાસ રોકાયેલો હતો અને રોજગાર નહોતા.”
રોજગાર પર તેમણે કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરમાં ૫૦ હજાર નોકરીઓની જગ્યા ખાલી છે. અમે આ તમામ સીટોને ભરીશું. યુવાઓ આ માટે આગળ આવે.” તેમણે કહ્યું કે આવનારા ૨થી ૩ મહિનામાં આ નિમણૂક ચાલુ કરવામાં આવશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, “સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થશે. કોઈનાં પર દબાવ ના બનાવવો જોઇએ.” ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીર માંથી કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદથી રાજ્યપાલ સત્યપાલ મલિક ખીણની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.
તાજેતરમાં તેમણે અધિકારીઓને મોદી સરકારની યોજનાઓનો ફાયદો લોકો સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો હતો