ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે દેશભરની પોલીસવ્યવસ્થામાં સુધારો કરવાના સંકેત આપ્યા છે. બુધવારે પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરો(બીપીઆરડી)ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે એક પોલીસ-ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે. દરેક રાજ્યમાં તેની સાથે જોડાયેલી કોલેજ પણ હશે. ટૂંક સમયમાં જ ડ્રાફ્ટને કેબિનેટ સામે મૂકવામાં આવશે. શાહે કહ્યું કે, હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી. પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની જરૂર છે. ગુના અને ગુનાખોરોને પ્રવૃતિ વાળા લોકો કરતા પોલીસે ચાર ડગલા આગળ રહેવું પડશે. તેના માટે વડાપ્રધાન મોદીને અપરાધિક માનસિકતા અને અપરાધની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે નેશનલ મોડલ ઓપરેન્ડી બ્યૂરોની સ્થાપના પર વિચાર કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધન થવું જોઈએ. બન્ને માટે એક સૂચન પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. જેના માટે દેશભરના લોકો પાસેથી સૂચનો મંગાવવા જોઈએ. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યસ્થા બનાવવાનો લક્ષ્યાંક ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જળવાઇ રહેશે.
આઝાદી પહેલા અંગ્રેજ સરકારને ચલાવવા માટે પોલીસની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ પોલીસને એક નવું સ્વરૂપ આપ્યું હતું. તેમણે માનવાધિકારની રક્ષા, લોકોની સેવા અને અધિકારોની રક્ષા કરવા માટે નવેસરથી પોલીસની સ્થાપના કરી. પોલીસ સુધારણા એક લાંબી અને નિરંતર ચાલનારી પ્રક્રિયા છે. પડકારો પ્રમાણે તેને આગળ વધવું જોઈએ. બીપીઆરડીએ આ સુધારાઓની રૂપરેખા નવેસરથી તૈયારથી કરવી પડશે. પોલીસ આધુનિક બન્યા બાદ અપરાધીઓથી આગળ રહી શકશે.
શાહે કહ્યું કે, વડાપ્રધાન દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માગે છે.,જેના માટે આંતરિક અને બાહ્ય સુરક્ષાની જરૂર છે. દેશની આંતરિક સુરક્ષા માટે અત્યાર સુધી ૩૪,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ શહીદ થયા છે.