ગુજરાત પર મોનસુન જોરદારરીતે સક્રિય થયું છે. જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, મહિસાગર અને બનાસકાંઠામાં ભારે વરસાદ થયો છે જ્યારે ભાવનગરમાં પણ અનેક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. બીજી બાજુ અતિભારે વરસાદ માટેની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આજે જોરદાર વરસાદ વિવિધ ભાગોમાં જારી રહ્યો હતો. આજે સવારથી લઇને મોડી સાંજ સુધી ૯૦થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. ૧૧થી વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. બે ઇંચ સુધીના વરસાદથી અનેક જગ્યાઓએ પાણી પણ ભરાયા છે. હારીજમાં સૌથી વધુ બે ઇંચથી વધુ વરસાદ થયો છે. શહેરામાં બે ઇંચ વરસાદ થયો છે. ઉપરાંત બેચરાજી, સમી, ચોર્યાસી, ચાણસ્મા, જામનગર, ગણદેવી, ઉંમરપાડા, કડી અને માંગરોળ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. ૭૯ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં છ તાલુકામાં ચાર ઇંચથી સાડા સાત ઇંચ વરસાદ થયો છે. ૨૬ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. ૧૫૩ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં સતત બે વર્ષ નબળાં ચોમાસા બાદ ચાલુ વર્ષે મેઘરાજાએ મહેર કરી હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે ત્યારે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતમાં ખૂબ સારા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૯૩.૫૪ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૨ જળાશયો છલકાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ ૮૫ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ હોઇ સરકાર અને ખેડૂતોની પાણીની સમસ્યા હલ થઇ છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ઇંચ છે. જેની સામે અત્યાર સુધી ૩૦ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ૫૦ ટકાથી વધુ એટલે કે ૧૭ ઇંચ વરસાદ માત્ર ઓગસ્ટ મહિનાના ૨૭ દિવસમાં જ નોંધાયો છે.
રાજયના ૨૦૪ જળાશયો પૈકી ૫૭ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા પાણી છે. ૨૨ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા છે. જ્યારે સરદાર સરોવરમાં ૮૪.૮૪ ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોનમાં ગત વર્ષની સરખામણીએ ૧૦૦ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય સરકારના આંકડા મુજબ, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩.૯૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૧.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૨.૫૫ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૫૦ ટકા પાણીનો સંગ્રહ છે. આમ કુલ ૨૦૪ જળાશયોમાં ૭૨.૬૩ ટકા પાણીનો કુલ જથ્થો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં સીઝનનો સરેરાશ ૯૩.૫૪ ટકા વરસાદ પડ્યો છે. ઓગસ્ટમાં પડેલા વરસાદને કારણે સરેરાશ ૧૦૦ ટકાની નજીક પહોંચી ગયો છે. જૂન મહિનામાં માત્ર ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જુલાઇમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટમાં ૧૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ૫થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય તેવા માત્ર ૬ તાલુકા છે. ૧૧૬ તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે ૫૩ તાલુકામાં ૪૦ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ૭૮ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોને પણ સારા પાકની આશા બંધાઇ છે. ખાસ કરીને ડાંગર સહિતના પાકોમાં મબલખ ઉત્પાદનની આશા છે.