કેન્દ્રીય કેબિનેટની બેઠક : ૨૪૦૦૦ કરોડના ખર્ચથી ૭૫ નવી મેડિકલ કોલેજ બનાવાશે

437

કેન્દ્રીય કેબિનેટની આજે અતિમહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં શ્રેણીબદ્ધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મેડિકલ એજ્યુકેશનના વિસ્તરણ, શેરડીના ખેડૂતો માટે નિકાસ સબસિડી સહિત અનેક મોટા નિર્ણયોને મંજુરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ૨૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૭૫ નવા મેડિકલ કોલેજ શરૂ કરવાને લીલીઝંડી આપવામાં આવી હતી. આ તમામ મેડિકલ કોલેજ આગામી ત્રણ વર્ષની અંદર જ ખોલવામાં આવશે. આના માટે એવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં હાલમાં મેડિકલ કોલેજ નથી. આ ઉપરાંત શેરડીના ખેડૂતોને નિકાસ સબસિડી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે જે સીધીરીતે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં ૭૫ મેડિકલ કોલેજ અંગે કેબિનેટની બેઠક બાદ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પીયુષ ગોયેલ દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે માહિતી અપાઈ હતી. જાવડેકરે કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં ૨૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી આ મેડિકલ કોલેજોને મંજુરી આપવામાં આવી છે. આનાથી ૧૫૭૦૦ જેટલી જેટલી નવી મેડિકલ સીટો બનશે. જે ક્ષેત્રો અને જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નથી તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જ મેડિકલ પીજી અને એમબીબીએસની ૪૫૦૦૦ સીટો વધારવામાં આવી ચુકી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૮૨ મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી ચુક્યા છે. હવે આગામી ત્રણ વર્ષમાં ૭૫ નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. દુનિયામાં મેડિકલ એજ્યુકેશનનું વિસ્તરણ આવું કોઇ જગ્યાએ થયું નથી. ગ્રામિણ વિસ્તારોમાં પણ તબીબોની ઉપલબ્ધતા વધે તે હેતુસર પગલા લેવામાં આવી રહ્યા છે. જાવડેકરે કહ્યું હતું કે, શેરડી ખેડૂતોને ૬૦ લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ માટે નિકાસ સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૬૨૬૮ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવનાર છે. આ રકમ સીધીરીતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવનાર છે. આનાથી લાખો શેરડી ખેડૂતોને સીધીરીતે ફાયદો થશે. શેરડી ખેડૂતોને હવે નુકસાન થશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ૧૬૨ લાખ મેટ્રિક ટન ખાંડનો સરપ્લસ સ્ટોક રહેલો છે. આમાથી ૪૦ લાખ મેટ્રિક ટન બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ સાથે જોડાયેલા નિયમો અને જોગવાઈઓના ઉદારીકરણ માટે અનેક નિર્ણયો કરવામાં આવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ૨૮૬ અબજ ડોલરનું રેકોર્ડ એફડીઆઈ આવી ચુક્યું છે. આ પહેલાના પાંચ વર્ષના ગાળામાં આ આંકડો ૧૮૯ અબજ ડોલરનો હતો. ૨૦૧૮-૧૯ના વચગાળાના આંકડામાં ૬૪ અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું. એફડીઆઈને વધુ ઉદાર બનાવવાના પગલા લેવામાં આવી રહ્યા છે. ગોયલે કહ્યું હતું કે, ભારતને મૂડીરોકાણનું આકર્ષક કેન્દ્ર બનાવવા માટે મહત્વના નિર્ણયો કરાયા છે જેના ભાગરુપે કોલ માઇનિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી રહી છે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા પર કામ થઇ રહ્યું છે. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી છે. આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનના નેતૃત્વમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. બેઠકની શરૂઆતમાં અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને યુએઇમાં વડાપ્રધાનને મળેલા સન્માન માટે મોદીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Previous articleવરતેજના યુવાન પર ફરિયાદકા ગામે ફાયરીંગ
Next articleપ્રભાસ અને શ્રદ્ધા કપુરની સાહોને લઇ ચાહકો ઉત્સુક