શહેરના સેક્ટર-૩૦માં હાલ તંત્ર દ્વારા બહુમાળી સરકારી આવાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે નીકળતો કચરો અને માટી સેક્ટરમાં આવેલી ડિફેન્સ કોલોની અને સંત નિરકારી ભવન પાસે ખડકી દેવામાં આવે છે. કાટમાળના લીધે તાજેતરમાં થયેલાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.
પાટનગરના સેક્ટર-૩૦માં તાજેતરમાં થયેલા વરસાદના પગલે હજુ સુધી પાણી ઓસર્યા ન હોય તેમ ડિફેન્સ કોલોની અને સંત નિરંકારી ભવન પડી રહ્યું છે. આ વિસ્તારમાં હાલ બહુમાળી સરકારી આવાસો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરી અંતર્ગત કચરો અને માટી નીકળી રહી છે.
તેને રહેણાંક વિસ્તારની આસપાસ જ ખડકી દેવામાં આવી રહ્યો છે. આમ કચરાના ઢગલે ઢગલાં ખકડાઇ જવાના કારણે વરસાદી પાણીનો હજુ સુધી નિકાલ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. ત્યારે આ વિસ્તારમાં આવેલાં રહેણાંકના વિસ્તારના લોકો પણ મચ્છરોના કારણે હેરાન પરેશાન થઇ ગયાં છે. સત્વરે આ ઢગલાઓને દુર કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.