ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડિલમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની એક કોર્ટે આજે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે જામીનને લઇને પોતાનો ચુકાદો હવે સાતમી સપ્ટેમ્બરે આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવેલા મિશેલ સામે ઓગસ્ટા વેસ્ટલેન્ડના મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. ઇડીએ ૨૨મી ડિસેમ્બરના દિવસે મિશેલને ભારત લાવવામાં આવ્યા બાદ પકડી લીધો હતો. ક્રિશ્ચિયન મિશેલ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજીના મામલામાં મુખ્ય આરોપી તરીકે છે. મિશેલ એક પછી એક લોકપ્રિય બ્રિટિશ સલાહકાર તરીકે છે જેને કથિતરીતે ઇટાલીની એક કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડે ભારતીય હવાઈ દળના ટોચના અધિકારીઓ અને યુપીએ સરકારના મંત્રીઓને પ્રભાવિત કરવા માટે રોકવામાં આવ્યા હતા.
કંપનીને આશા હતી કે, આનાથી તેમને ૩૬૦૦ કરોડ રૂપિયાની ડિલ સરળતાથી મળી જશે. આ મામલામાં મિશેલ ત્રણ મુખ્ય આરોપીઓ પૈકી એક છે.
આની સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓની સામે સીબીઆઈ અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં મિશેલ ઉપર સહઆરોપીઓની સાથે મળીને અપરાધિક કાવતરા ઘડી કાઢવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. વીવીઆઈપી હેલિકોપ્ટર ડિલમાં સહઆરોપીઓમાં તત્કાલિન હવાઈ દળના વડા એસપી ત્યાગી અને તેમના પરિવારના સભ્યો સામેલ છે.
વીવીઆઈપી હેલિકોપ્ટરની ઉંડાણ ભરવાની ઉંચાઈ ૬૦૦૦ મીટરથી ઘટાડીને ૪૫૦૦ મીટર કરીને આ લોકોએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ભારત સરકારે ૮મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે સંરક્ષણ મંત્રાલય મારફતે ઓગસ્ટા વેસ્ટલેન્ડને ૫૫.૬૨ યુરોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.