મહિલાઓ કપડાની થેલીનો ઉપયોગ કરે તો સમસ્યા દૂર

629

સાયન્સ સીટી પાસે મ્યુનિસિપલ પ્લોટમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૦૮ વૃક્ષ-રોપા વાવી મીશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન કર્યું હતુ. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વચ્છતા અને પર્યાવરણને લઇ બહુ મહત્વનો સંદેશો પણ આપ્યો હતો અને ખાસ કરીને મહિલાઓને વિનંતીપૂર્વકનો અનુરોધ કર્યો હતો કે, જો મહિલાઓ શાકભાજી અને કરિયાણું લાવવા માટે પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીનો ફરજિયાત ઉપયોગ કરે તો, પ્લાસ્ટિકની ગંભીર સમસ્યા મહ્‌દઅંશે હલ થઇ શકે. એટલું જ નહી, કોઈ છોકરો ટ્રાફિક નિયમના પાલન સંકલ્પ લે તો પરિવર્તન લાવી શકે છે. મહિલાઓ થેલીમાં શાક લાવવાનો સંકલ્પ કરે તો પણ દેશ બદલાઈ શકે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષારોપણ બાદમાં અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકોએ વૃક્ષારોપણમાં સાથ આપ્યો છે. દરેક સોસાયટીઓએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષ વાવ્યા છે. અમ્યુકો અને સરકારના સહિયારા પ્રયાસોને પગલે ઉપરોકત મીશન અંતર્ગત, અમદાવાદમાં ૧૦.૮૭ લાખ અને અમદાવાદ જિલ્લામાં કુલ મળી ૨૪ લાખ, ૬૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. વૃક્ષો જ આપણને બચાવી શકશે. સરદાર સરોવર ડેમની કામગીરી પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જ થયું છે. સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે. ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય અને પેટમાંથી ૧૦ કિલો કાઢવું પડે ત્યારે ગાયને કેટલી વેદના થાય. આ સંજોગોમાં બહેનોએ પ્લાસ્ટિક મુકત અભિયાનની ઝુંબેશ સ્વેચ્છાએ ઉપાડી લેવી જોઇએ અને અમદાવાદની બહેનોએ તેની શરૂઆત કરવી જોઇએ. બહેનો પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાંની થેલી લઈ અને શાકભાજી લેવા જાય. ભલે થોડું જૂનવાણી લાગે પણ કપડાંની થેલી લઈ વસ્તુઓ લેવા જાય. ખાદી, કંતાન અને કપડાંની થેલી વાપરો. દુકાનદારોને પણ કપડાંની થેલી વેચવા તેમણે અનુરોધ કર્યો હતો. પ્લાસ્ટિક મુકત ભારત માટે ૧૩૦ કરોડ લોકો સંકલ્પ લે તો વિશ્વમાં આગળ વધીએ. સંકલ્પ લેવા માટે ફરી એકવાર પ્લાસ્ટિક મુક્ત માટે કહી અને કપડાંની થેલી વાપરવા તેમણે જાહેર અપીલ કરી હતી. આ પ્રસંગે શહેરના તળાવોનું બાકી કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી તેમણે અમ્યુકો સત્તાધીશો સમક્ષ ઇચ્છ વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યું કે, હું સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરું છું કે, તા.૨ ઓક્ટોબરે કોઈ એક સંકલ્પ લે. ભલે સંક્લ્પ નાનો હોય પણ તે દેશને પરિવર્તન લાવે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત દેશની જનતા ઇચ્છતી હતી કે આપણો દેશ અખંડિત,એક બને. દેશની સામે કોઈ નજર ન ઉઠાવે પણ કલમ ૩૭૦ દેશની એકતા અને અખંડિતતા માટે ઉણપ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ ૩૭૦ ને એક જ ઝાટકે હટાવીને ઇતિહાસ રચ્યો છે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈલેકટ્રીક બસોનું અને રાણીપના બેટરી સ્વેપ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

Previous articleયુનિવર્સિટી ટૂંકમાં વિશ્વની ટોપમાં સામેલ થશે : શાહ
Next articleઅમદાવાદમાં ૮ ઇલેક્ટ્રિક બસોને લીલીઝંડી