૨૯ ભાવનગર જિલ્લાના દર્દીઓને અતિ ખર્ચાળ ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ જ વિનામૂલ્યે મળી રહે તે હેતુથી તા.૧૫/૦૯/૨૦૧૯ ના રોજ સવારે ૯ઃ૦૦ થી ૨ઃ૦૦ સુધી એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ભાવનગર ખાતે “માવતર” સંસ્થાના પ્રેરાણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પૂણ્યતિથી નિમિતે માવતર સંસ્થા, આરોગ્ય વિભાગ તથા સર.ટી હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા સંલગ્ન હૃદય ,કિડની,કેન્સર,અને સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ૧૫૦ થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો તેમજ પેરામેડીકેલ સ્ટાફ ભાવનગર જિલ્લાના દર્દીઓને તપાસી નાનામાં નાના થતા રોગથી લઈ ગંભીર બીમારીઓની સારવાર પૂરી પાડશે. આ મેગા કેમ્પનો જિલ્લાના લોકો બહોળી સંખ્યામાં લાભ લે તેવો રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી વિભાવરીબેનના પતિ વિજયભાઈ દવે પણ ગંભીર બીમારી નો ભોગ બનેલ જેની સારવાર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં કરાવવામાં આવેલ. આવા ગંભીર રોગનું વહેલું નિદાન જો સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તો અનેક મહામૂલી માનવ જિંદગીઓ બચાવી શકાય.આવા જ શુભ આશયથીવિભાવરીબેન દવે દ્વારા લોક કલ્યાણ અર્થે ભાવનગર ખાતે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ મેગા કેમ્પની વ્યવસ્થા તેમજ સુચારુ આયોજન માટે સર્કિટ હાઉસ ભાવનગર ખાતે વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીએ સ્થાનિક ડોક્ટર્સનો સહયોગ, નર્સિંગ સ્ટાફ, સ્વયં સેવકો, સિક્યુરિટી, એમ્બ્યુલન્સ, સ્થાનિક મેડિકલ મશીનરી વગેરે બાબતોની જવાબદારીઓ તેમજ આયોજન અંગે જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઇ મોરી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી,જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ,મેડિકલ કોલેજ ભાવનગરના ડિન,સર.ટી હોસ્પિટલના તબિબ તેમજ અધિકારીઓ, મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી,જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.