આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસના દિવસે કોળીયાક ખાતેના નિષ્કલંક મહાદેવના દરિયે પરંપરાગત ભાતીગળ મેળો યોજાશે. જેમાં આવતીકાલે તંત્ર દ્વારા મંજુરી મળતાની સાથે જ નિષ્કલંકના દરિયામાં લાખો ભાવિકો આસ્થાના ડુબકી લગાવી નિષ્કલંક બનશે. ભાદરવી અમાસના દિવસે કોળીયાક ખાતેના નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ છે તેવી લોકવાયકા મુજબ આવતીકાલે ભાવનગર શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી લાખ્ખો લોકો નિષ્કલંકના દરિયે પવિત્ર સ્નાન કરવા ઉમટી પડશે. કોળીયાક ખાતે રાત્રીથી જ માનવ મેદની એકઠી થવા લાગેલ અને ત્યાં લોક મેળા જેવો માહોલ સર્જાય છે. રાજ્યભરના લોકો નિષ્કલંકના દરિયામાં સ્નાન કરવા આવતા હોય અગાઉથી જ આવી ગયેલા લોકો આખી રાત મેળાની મજા માણે છે અહી રાતભર ભજન કિર્તન, અને ડાયરાની મોજ પણ હોય છે. સવારના આઠેક વાગ્યા તંત્ર દ્વારા સ્નાન કરવાની મંજુરી આપશે ત્યારે સમુદ્ર કાંઠેથી એક સાથે હજ્જારો લોકો સમુદ્રમાં ન્હાવા માટે દોટ મુકશે. જો કે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રદ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. સમુદ્રમાં પણ ઘોડેશ્વાર પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે. જ્યારે ભાવનગર સહિત રાજ્યભરમાંથી આવેલા લોકો કોળીયાક પહોચી શકે તે માટે એસ.ટી.તંત્ર દ્વારા વધારાની બસો પણ આજે સાંજથી શરૂ કરવમાં આવેલ.અને હજારો લોકો તેનો લાભ લીધેલ. આ ઉપરાંત ખાનગી વાહનો દ્વારા પણ લોકો મેળામાં જશે ત્યારે ગુંદી ગામ ગ્રામ પંચાયત દ્વારા વાહન પાર્કીંગની પણ સુવિધા પુરી પાડવામાં આવી છે. આવતીકાલે મેળા દરમિયાન અનેક સંસ્થાઓ દ્વારા પ્રસાદ, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકી દ્વારા પણ શિરાના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અહી લાખ્ખો લોકો આસ્થાની ડુબકી લગાવી નિષ્કલંક બનશે.
શહેરના ચાવડીગેટ અને આખલોલમાં મેળો ભરાશે
ભાદરવી અમાસ નિમિત્તે શહેર-જિલ્લામાં વિવીધ સ્થળોએ લોકમેળા યોજાય છે. જેમાં ચાવડીગેટ ખાતે ભાદરવી અમાસના દિવસે સાંજના સમયે લોકમેળાનું આયોજન થાય છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ. આ મેળામાં બાળકો માટે વિવિધ રાઈડ્સ તેમજ રમકડાના સ્ટોલ સહિત પણ રાખવામાં આવશે. જેમાં લોકો ઉમટી પડશે. આ ઉપરાંત શહેરના છેવાડે આખલોલ મહાદેવ મંદિરે સવારે મેળો યોજાશે અહીં લોકો સ્નાન કરવા સાથે દર્શનનો પણ લાભ લેશે. આ ઉપરાંત સિહોરના ગૌતમેશ્વર અને બ્રહ્મકુંડ ખાતે પણ મેળા યોજાશે.