જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ હવે પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવવા લાગી ગયા છે.છેલ્લા બે દિવસની અંદર વણઓળખાયેલા ત્રાસવાદીઓ દ્વારા કાશ્મીર ખીણના જુદા જુદા ભાગોમાંથી સાત લોકોના અપહરણ કરી લીધા છે. જો કે જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી દ્વારા આ અહેવાલને હજુ સુધી સમર્થન આપ્યુ નથી. તેમણે કહ્યુ છે કે પોલીસ હાલમાં તથ્યોમાં તપાસ કરી રહી છે. અપહરણ કરવામાં આવેલા લોકો જુદા જુદા પોલીસ કર્મીઓના સંબંધી હોવાની વિગત સપાટી પર આવી છે. ખતરનાક અને ચિંતાજનક બાબત એ છે કે કાશ્મીર ખીણમાં આ પહેલા તમામ અપહરણ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી. હવે ત્રાસવાદીઓ પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોનુ અપહરણ કરવામાં આવ્યા બાદ સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. રાજ્યમાં ત્રાસવાદીઓ હાલમાં જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. હાલમાં સુરક્ષા દળો દ્વારા ઓપરેશન ઓલ આઉટ ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં પણ સુરક્ષા દળોને સફળતા મળી રહી છે. જો કે કલમ ૩૭૦ને નાબુદ કરતા પહેલા સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરી દીધો હતો. હવે ત્રાસવાદીઓ તેમના કાવતરા અને હુમલાના પ્લાનમાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.