અમદાવાદમાં ફરી લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. મણિનગરમાં પણ એક વ્યકિતએ રુપિયા સવા લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે મણિનગરમાં નોંધાઈ ફરિયાદના આરોપીઓ માંથી ૩ આરોપીઓની કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યા છે અને તપાસ શરુ કરી છે.
પોલીસ ગિરફતમાં આવેલી વંદના અને પિંકી, બંને મહિલાઓ લુટેરી દુલ્હનના રેકેટમાં મુખ્ય આરોપીઓ છે અને આ બન્ને લગ્ન ઈચ્છુક યુવકો અને વ્યકિતઓને શોધીને લાવતી હતી અને લગ્ન કરાવવા ના નામે લાખો રુપિયા લઈ દુલ્હન ફરાર થઈ જતી હતી.
શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક વ્યકિતએ ૭૦ હજારની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી અને જેમાં તેના લગ્ન આ બન્ને મહિલાઓએ પ્રતિમા રાજન દાસ સાથે કરાવ્યા હતા.
લગ્ન માટે ફરિયાદી મનીષ તિવારી પાસેથી ૭૦ હજાર લીધા હતા અને લગ્નના થોડાક દિવસોમાંજ પ્રતિમા ગાયબ થઈ ગઈ હતી. જોકે, પહેલા અરજી આપવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે અરજીના આધારે ગુનો દાખલ કરી ૩ લોકોની ધરપકડ કરી લીધી છે.
નોંધનીય છે કે, આ ગેંગમાં ૩ મહિલાઓ સિવાય અન્ય ૩ લોકો જેમાં ધીરજ કોષ્ટી, ભોલા અને કમલેશ નામના વ્યકિતઓ પણ સામેલ છે અને જે હાલ ફરાર છે. નોંધનીય છે કે કૃષ્ણનગરમાં જ્યારે ગુનો દાખલ થયો ત્યારે અન્ય એક વ્યકિતએ મણિનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે અને બન્ને ગુનામાં એકજ ગેંગ સામેલ હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસનુ કહેવુ છે કે, આ ગેંગે આ સિવાય અન્ય કોઈ લોકોને ભોગ બનાવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સવાલ એ ઉભો થાય છે કે પ્રતિમાએ આવી રીતે કેટલા લોકો સાથે લગ્ન કર્યા છે. શું આ ગેંગ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં લોકોને છેતરી ચુકી છે કે કેમ, હાલ તો પોલીસે આરોપીઓની પુછપરછ શરુ કરી છે ત્યારે તપાસમાં આન્ય ખુલાસાઓ થાય તેમ છે.