અમદાવાદની ૫૫ સોસાયટીનાં ૧૭૦૦ મકાન સરકાર કબજે કરશે

434

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે અમદાવાદની પંચાવન જેટલી રહેણાંક સોસાયટીઓનો કબજો તેના કબ્જેદાર એવા રહેવાસીઓ પાસેથી લઇ લેવાનું નક્કી કર્યું છે. શહેરી જમીન ટોચ મર્યાદા ધારાની જમીનો પર બનેલી સોસાયટીના મકાનો હવે સરકાર હસ્તક બનશે. સરકારે આ મકાનોના માલિકીહક્કો અને કબજાને નિયમિત કરવા માટે જાહેર કરેલી યોજના હેઠળ રકમ જમા નહીં થતાં હવે આ સોસાયટીઓમાં શ્રીસરકાર દાખલ થશે.

અમદાવાદની કુલ પંચાવન સોસાયટીઓની ૧૬૮૬ મિલકતોને નિયમિત કરાવવા માટે બાકી નિકળતા રૂપિયા ૧૭.૩૧ કરોડની રકમ જમા નહીં કરાવતા હવે તેમણે મિલકતો ખાલી કરવી પડશે. જે હેઠળ મણિનગરની ૨૭ સોસાયટીઓની ૭૪૮ મિલકતો, અસારવાની ૧૮ સોસાયટીની ૫૬૫ મિલકતો, વટવાની ૮ સોસાયટીની ૩૫૨ મિલકતો, ઘાટલોડિયાની ૨ સોસાયટીની ૧૦ મિલકતો જ્યારે સાબરમતીની ૧ સોસાયટીની ૧૧ મિલકતો પર હવે શ્રીસરકાર દાખલ થશે.

મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં છેલ્લે ૫૦૮૩ મકાનોને નિયમિત કરવાની પ્રકિયા હાથ ધરાઇ હતી પરંતુ ૧૬૮૬ કબ્જેદારોએ ૯૦ દિવસની સમયમર્યાદામાં રકમ નહીં ભરતાં અને તેના ઉપર બીજો છ મહિનાનો સમય વહી જતાં હવે આ મિલકતો સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયો છે.

આ મિલકતોને નિયમિત કરવાની જાહેરાત ૨૦૧૬માં કાયદામાં સુધારા દ્વારા કરાઇ હતી. કબ્જેદારોના ભોગવટા હેઠળની જમીનના ક્ષેત્રફળના પ્રમાણમાં જંત્રીના અનુસંધાને સરકારમાં રકમ જમા કરાવીને મકાન નિયમિત કરાવા માટેની આ યોજના જાહેર થઇ હતી.

Previous articleસોલા વિસ્તારમાંથી ઝડપાયો અધધધ…૪૨૬ પેટી વિદેશી દારૂ
Next article૫૨ ગજની ધજા લઇ વ્યાસવાડીથી નીકળ્યો સંઘ, કલમ ૩૭૦ની રંગોળીથી સ્વાગત કરાયું