સતત જળવાઇ રહેલા ભાજયુક્ત વાતાવરણના પગલે શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વ્યાપક થયો છે અને ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ નોંધાવા લાગ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુડાસણ, સરગાસણ અને રાંદેસણ વિસ્તારમાં કરેલી તપાસ દરમિયાન ગુડાની આવાસ યોજના સહિતની ૧૦ બાંધકામ સાઇટ પરથી મચ્છરના બ્રિડીંગ મોટાપાયે મળી આવતાં તેમા સાઇટના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે અને સમય મર્યાદામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કહેવાની સાથે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કુડાસણમાં તો રહેણાંક વિસ્તારમાં પણ ૩ સ્થળે મચ્છરના પોરા મળી આવ્યાં હતાં.
આરોગ્ય શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે કુડાસણમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની ફ્લેટ ટાઇપ આવાસ યોજનાની સાઇટ પરથી અને ખાખરિયા પ્રજાપતિ સમાજની વાડીની સાઇટ પરથી સતત ચોથી વાર મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હોવાથી ગુડા આવાસાના કોન્ટ્રાક્ટર દિપેન કંસ્ટ્રક્શન કંપની અને સમાજવાડીના પ્રમુખને આખરી ચેતવણી પણ આપી દેવામાં આવી છે, હવે પછી આ બન્ને સાઇટ પરથી મચ્છરના પોરા મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
કુડાસણમાં ગુડા આવાસ યોજના, ખાખરિયા પ્રજાપતિ સમાજની વાડી, શ્રીફળ હાઇટ્સ, શુકન આઇ, રાંદેસણમાં સાર્થક સેરેનીટી, સરગાસણમાં પ્રમુખ ગ્લોરી, સ્વાગત અગાસિયા, શિક્ષપત્રી સ્વસ્તિક, સ્વર્ણમ સાઇન અને અવનિપ્રસ્થની સાઇટ્સ પર મચ્છરના બ્રિડીંગ મળતા નોટિસ ફટકારાઇ છે.