ગુજરાતમાં ઐતિહાસિક શિવાલયોમાં કલોલના કપિલેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. જ્યાં ૧૮૦૦ વર્ષ જુનું પ્રાચિન સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. આ પ્રકારનું શિવલિંગ દેશમાં માત્ર ત્રણ સ્થળે ઉતરાખંડ,આંધ્રપ્રદેશ અને ગાંધીનગરના કલોલની ભૂમી ઉપર છે. જેના દર્શનાર્થે શ્રાવણ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.
શ્રાવણી અમાસના દિવસે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં લાખો ભક્તો ઉમટી પડી પ્રભુના દર્શન કરી પોતાના પરિવાર સાથે મેળાની મજા માણે છે. સાથે સાથે મંદિરમાં જન્માષ્ટમીની પણ ઉજવણી કરાઈ હતી. કૃષ્ણ જન્મોત્સવ ખાતે રાસ ગરબા યોજાયા હતા. આજે શ્રાવણી અમાસના દિવસે મેળો યોજાશે. જેમાં આસપાસના ગામોમાથી માનવ મેદની ઉમટી પડશે.
મંદિર પરીસરમાં પુર્ણાનંદ ભોજનાલય આવેલું છે. જેમાં સંતો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓને મફત ભોજનની સુવિધા આપવામાં આવે છે. તેમજ બ્રાહ્મણો, ભક્તો, દર્દીઓના સગાઓને ટોકન ચાર્જમાં ભોજન પીરસવામાં આવે છે.
મહંત સ્વામી પુર્ણાનંદગીરીજી મહારાજના જણાવ્યા પ્રમાણે વર્ષો અગાઉ ગોપાલકો ગાયો ચારાવવા કલોલ આવતા હતા. જેમાંથી એક ગાય દૂધ આપતી ન હતી. જેથી ગોપાલકને આ ગાયને કોઇ દોઇ લે છે તેવી શંકા જતા ગાયનો પીછો કર્યો હતો. ગાય ઉભી રહી હતી અને દૂધની ધારા વહેવા લાગી હતી.