ગાંધીનગર જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે નજીકની શાળામાં મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, ભાજપના છ સભ્યોની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં શાળાઓ મર્જ નહીં કરવા અંગે સર્વેનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. નવા નિયમ પ્રમાણે,રાજ્ય સરકારે કુલ ૧૩૮ શાળાના અભિપ્રાય મંગાવ્યા હતા જેમાંથી ૨૯ શાળાઓ અન્ય શાળામાં મર્જ કરવી પડે તેવી સ્થિતિમાં છે ત્યારે પંચાયતના આ ઠરાવની અસર રાજ્યના શિક્ષણ વિભાગ ઉપર પડશે કે કેમ તે તો જોવુ જ રહ્યું.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે, કોઇ પણ ગામમાં એક કિલોમીટર વિસ્તારમાં ધો.૧થી ધો.૫ સુધીનો અભ્યાસ વિદ્યાર્થીઓને મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ આવી જ રીતે ધો.૬થી ધો.૮ના વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર વિસ્તારમાં શાળા હોવી જોઇએ ત્યારે હાલ રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાને નજીકની અન્ય સરકારી પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેને લઇને ગાંધીનગર જિલ્લામાં ચારેય તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા અને આસપાસમાં નદી, કોતરો કે હાઇવે સહિતના અન્ય ભૌગોલિક પરિબળો પણ મંગાવવામાં આવ્યા હતા.
નિયમ પ્રમાણે જિલ્લાની કુલ ૨૯ શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે જેમાં દહેગામ તાલુકાના ૧૫, ગાંધીનગર અને કલોલ તાલુકાની ૫-૫ જ્યારે માણસા તાલુકાના ચાર શાળાનો સમાવેશ થાય છે. જિલ્લાકક્ષાએથી શાળાઓ વિલિનીકરણ બાબતે રાજ્યકક્ષાએ અહેવાલ પણ મોકલી આપવામાં આવ્યો છે ત્યારે હવે કોંગ્રેસ શાસિત ગાંધીનગરજિલ્લા પંચાયત દ્વારા આ શાળા મર્જ કરવાના સરકારના અભિગમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે પંચાયત પ્રમુખ મંગુબેન સનાભાઇ પટેલ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.
જેમાં એજન્ડા પ્રમાણે કોંગ્રેસના સભ્યોએ સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો અને શાળાઓ મર્જ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને તકલીફ પડશે એટલુ જ નહીં, શિક્ષણનું સ્તર પણ નીચું જશે. શાળા છોડી જવાના કિસ્સાઓ વધશે જેથી શાળાઓ મર્જ નહીં કરવા માટે જિલ્લા પંચાયતે ભાજપના સભ્યોની ગેરહાજરીમાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. હવે સરકાર દ્વારા આ શાળા વિલિનીકરણના નિર્ણયને હાલ પુરતી મુલતવી રાખે છે કે પછી આ ઠરાવ ફક્ત કાગળ જ રહેશે તે તો હવે જોવુ જ રહ્યું.
ગાંધીનગર જિલ્લામાં વિલિનીકરણ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ૨૯ શાળાનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ૧૫ શાળા દહેગામ તાલુકાની છે જેમાં ભક્તોના મુવાડા, હર્ષદનગર, રાધાકુઇ, પાનાનામુવાડા, મેઘરાજના મુવાડા, મોટીયાના મુવાડા, મોહનપરા, વેજાના પ્રા.શાળા, અંબીકાનગર, ઓતમપુરા, પહાડીયા, રામાજીના મુવાડા, મારવાડી વસાહત, રામનગર અને ઉદયનગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગાંધીનગર તાલુકાની નાનપુરા(ટીંટોડા), રેઘાના છાપરા(વડોદરા), ચાંદખેડાના બે જ્યારે મોઢેરાની એક મળી કુલ પાંચ શાળાની સાથે કલોલ તાલુકાની ધાનજ(જુના), કલોલ નં.૧૩, મોરારજી નગર, પ્રગતીનગર અને સોજાની કુમાર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. આવી જ રીતે માણસા તાલુકાના આનંદપુરા(સોલૈયા), આનંદપુરા (વેડા), કુષ્ણનગર તથા મખાખાડ પ્રાથમિક શાળા મર્જ કરવાનો અહેવાલ મોકલવામાં આવ્યો છે.