આસામ NRC લિસ્ટઃ આજે ૪૧ લાખ લોકોના ભાગ્ય નિર્ણયનો થશે

422

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપ(એનઆરસી)ની છેલ્લી યાદી શનિવારે પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર બાદ આસામના ૪૧ લાખ લોકોના ભાગ્યનો નિર્ણય થશે કે તેઓ દેશના નાગરિક છે કે નહીં. આસામ પોલીસ અને સરકારે રાજ્યમાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પોલીસે લોકોને જણાવ્યું છે કે, કેટલાક અસામાજીક તત્વો એનઆરસીને લઇને ભ્રમ ફેલાવી રહ્યા છે જેથી લોકો આના પર ધ્યાન આપે નહીં.કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજ્યમાં કડક સુરક્ષા ગોઠવી દીધી છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે લોકોને શાંતિ અને ભાઇચારો જાળવી રાખવાની અપીલ કરી છે. કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરતા પહેલા આસામમાંથી સીઆરપીએફની ૫૫ કંપની હટાવવામાં આવી હતી. જો કે હવે સરકારની વિનંતી પર ૫૧ કંપની તહેનાત કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આસામમાં એનઆરસી બહાર પાડવાના સમય દરમિયાન શાંતિ અને વ્યવસ્થા રાખવા સુરક્ષા સઘન કરવામાં આવી છે.

એનઆરસીને રાજ્યમાં નાગરિકોને ગેરકાયદે બાંગ્લાદેશીઓથી બચાવવા માટે સુરક્ષા કવચ અને આસામની ઓળખના પુરાવા તરીકે જોવામાં આવે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઇને સુપ્રીમ કોર્ટની હેઠળ અંદાજે ચાર વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી ૩૧ ઓગસ્ટના રોજ સામે આવશે.

ગત ૩૧ જૂલાઇના રોજ જાહેર કરવામાં આવેલી એનઆરસી ડ્રાફ્ટમાં ૪૦.૭ લાખ લોકોના નામ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ૨૬ જૂનના રોજ ૨૦૧૯ના રોજ એક વધુ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો જેમાં અંદાજે એક લાખ વધુ લોકોના નામ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આમ કુલ ૩.૨૯ કરોડ અરજીમાંથી ૨.૯ કરોડ લોકો એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ફાઈનલ એનઆરસી લિસ્ટ ૩૧ જુલાઈએ પ્રકાશિત થવાની હતી, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઓથોરિટીએ તેને ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી દીધી હતી. આ પહેલા ૨૦૧૮માં ૩૦ જુલાઈએ એનઆરસીનો ફાઈનલ ડ્રાફ્ટ આવ્યો હતો. યાદીમાં નામ ન હોય તેવા લોકોને વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

Previous articleજૂનના ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર પ ટકા
Next articleજમ્મુ કાશ્મીર માટે ટૂંકમાં શિક્ષણ અને રોજગાર પેકેજ જાહેર કરાશે