અર્થવ્યવસ્થામાં મંદીની સમસ્યાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારને આર્થિક વિકાસના મોરચા ઉપર મોટો ફટકો પડ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં આર્થિક વિકાસ દર ઘટીને માત્ર પાંચ ટકા થઇ ગયો છે જે સાડા છ વર્ષમાં સૌથી નીચી સપાટી ઉપર છે. છેલ્લા નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર ૫.૮ ટકા રહ્યો હતો. આજે સરકાર દ્વારા આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. દેશમાં સ્થાનિક માંગમાં ઘટાડો તથા મૂડીરોકાણની સ્થિતિ સારી નહીં રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જૂન ત્રિમાસિક ગાળામાં વિકાસ દરનો આંકડો પહેલાથી વધારે રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થા દર વર્ષના આધાર પર માત્ર પાંચ ટકાના દરે હાથ ધર્યો છે. વિકાસદરનો આ આંકડો બજારના ૫.૭ ટકાની આશા પર રહ્યો છે. વર્ષ ૨૦૧૩ બાદ જીડીપી ગ્રોથનો આંકડો સૌથી ખરાબ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના ૧૨.૧ ટકાની સરખામણીમાં ૦.૬ ટકાના દરે આગળ વધ્યો છે.
એગ્રીકલ્ચર, ફોરેસ્ટ, ફિશિંગ સેક્ટરમાં છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૫.૧ ટકાની સરખામણીમાં તે ૨ ટકાના દરે આગળ વધ્યો છે. માઇનિંગ સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૦.૪ ટકાની સરખામણીમાં ૨.૭ ટકાના દરે આગળ વધ્યો છે. ઇલેક્ટ્રીસિટી, ગેસ, વોટર સપ્લાય અને અન્ય યુટિલીટી સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૬.૭ ટકાની સરખામણીમાં ૮.૬ ટકાના દરે આગળ વધ્યો છે. આવી જ રીતે કન્સ્ટ્રક્શન સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૯.૬ ટકાની સરખામણીમાં ૫.૭ ટકાના દરે આગળ વધ્યો છે. ટ્રેડ, હોટેલ, પરિવહન અને કોમ્યુનિકેશન જેવા સેક્ટરોમાં ૭.૧ ટકાના દરેક વિકાસ દર આગળ વધ્યો છે. આ તમામ આંકડા સરકાર માટે નિરાશાજનક છે.