નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગ્લોબલ ર્વોમિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે સૌ દેશવાસીઓએ સંકલ્પબદ્ધ બનવું પડશે. આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન સાથે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મેયરો-કમિશનરો તથા કલાઇમેટ ચેન્જ વિભાગ વચ્ચે ગ્લોબલ કોવોનન્ટ ઓફ મેયર ફોર કલાઇમેટ ચેન્જ એનર્જી સંદર્ભે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા હતા. નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં કલાયમેટ ચેન્જ વિભાગ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો અને તેમની દીર્ઘદ્રષ્ટી અને લાંબાગાળાના આયોજનના પરિણામે પર્યાવરણ જાળવણી માટે પણ ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાને રહી મોડલ બન્યું છે ત્યારે પર્યાવરણના સંરક્ષણ માટે આપણે સૌએે સહિયારા પ્રયાસો કરવા જોઇએ. પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશનના તકનીકી અને વૈજ્ઞાનિક સહાયથી ગુજરાતમાં કલાયમેટ ચેન્જ ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવા માટે કોવોનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર કલાયમેટ ચેન્જ એન્ડ એનર્જી (જીકોમ) નેટવર્કની રચના થશે એ માટે આ એમ.ઓ.યુ. કરાયા છે.
આ નેટવર્ક હેઠળ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને સસ્ટેનેબલ અને લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ અંગેના પ્રયાસોને વેગ મળશે. જીકોમના માધ્યમથી રાજ્યની મુખ્ય નગરપાલિકાઓ કલાયમેટ ચેન્જથી થનાર અસરને નિયત્રીત કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળશે તથા શહેરનું સમગ્ર આયોજન કલાયમેટ ચેન્જ તથા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતને કેન્દ્રમાં રાખીને કરી શકશે. જે થકી નાગરિકોના જીવન વધુ સુદ્રઢ અને સમૃદ્ધ બનશે. પટેલે ઉમેર્યું કે, જીકોમ નેટવર્કમાં વિશ્વના ૯ હજારથી વધુ શહેરોના મેયરોએ કલાયમેટ ચેન્જ તથા સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતના ક્ષેત્રમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જેમાં રાજ્યના આ આઠ મહાનગરો જોડાશે એટલે રાજ્યના નગરોને પણ ટેકનીકલી માર્ગદર્શન માટે આદાનપ્રદાનની તક મળશે. જીકોમ શહેરો અને સ્થાનિક રાજ્ય સરકારોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. જે કલાયમેટ ચેન્જ સામે લડવાના રાજ્ય સરકારના પગલાઓ-નીતિઓને પ્રોત્સાહન આપીને લાંબાગાળાની નીતિ સાથે સમાવિષ્ટ, નિયંત્રિત, કાર્બન ઉત્સર્જક, સ્થિતિ સ્થાપક અને ટકાઉ સમાજના નિર્માણમાં સહભાગી બને છે.
જીકોમના નેટવર્કમાં ઇયુ-આઇયુસી ઇન્ડિયા દ્વારા ગુજરાતના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસની માહિતી અને આનુષાંગિક ટેકનોલોજી અને નાણાંકીય સહાયથી જાણકારી મળશે તથા શહેર કક્ષાએ કલાયમેટ ચેન્જ અંતર્ગત સંસ્થાકીય માળખાના નિર્માણ માટે પણ માગદર્શન મળશે.