સતત દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘમહેર થતાં સાર્વત્રિક વરસાદ બાદ ભુજ સ્વામિ નારાયણ મંદિર દ્વારા આયોજિત મેઘલાડુ મહોત્સવ પ્રસંગે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ કચ્છીઓની ખુમારીને યાદ કરતાં કચ્છીઓએ હસતાં હસતાં સંઘર્ષ કરીને હંમેશા કચ્છને કુદરતી આફતમાંથી બેઠુ કર્યું હોવાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમથી પીવા અને સિંચાઇના પાણીને ખુણે ખુણે સુધી પહોંચાડવા માટે સરકાર કટીબદ્ધ હોવાનું જણાવી કચ્છમાં પણ નર્મદાના કામો ઝડપથી પૂર્ણ કરવા અગ્રીમતાથી કામ કરી રહી હોવાનું ઉમેર્યું હતું. કચ્છ જિલ્લો નંદનવન બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહયું હતું કે, કચ્છના તમામ ડેમો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર કચ્છ જિલ્લાને વિશેષ સવલત ઉપલબ્ધ કરાવી જિલ્લો વધુને વધુ સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ દુકાળ સમયે કચ્છના લખપત અને અબડાસાના અંતરિયાળ ગામોમાં પ્રવાસ કરીને લોકોની વચ્ચે જઇને તેમના ઘરે ખાટલા પર બેસીને મિટિંગ કરીને લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે કચ્છમાં વારંવાર દુકાળનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કચ્છમાં ઘાસની તંગી ન થાય અને ઘાસને બહારના જિલ્લાઓમાંથી ન મંગાવવું પડે તે માટે કચ્છના તમામ દસે-દસ તાલુકાના ૫ ગામોના ક્લસ્ટર બનાવીને ગૌચરની જમીનમાં ઘાસ ઉગાડવા માટે નવી યોજના બનાવી છે.
જેને વ્યાપક સ્વરૂપ આપવા અને આ માટે ફંડીંગ ફાળવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ આ તકે એવી જાહેરાત કરી હતી કે, અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અછત અંગેની તમામ સબસિડી જુન-૨૦૧૯ સુધીની જ આપવામાં આવતી હતી, જે હવેથી ૩૧ જુલાઇ-૨૦૧૯ સુધી આપવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. દુકાળમાં અછત રાહત કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર થયેલ પુસ્તક ભવિષ્યના અધિકારીઓ માટે ગીતા અને શિક્ષાપત્રી સાબિત થશે, તેમ જણાવી મુખ્યમંત્રીએ દુકાળ દરમિયાન કલેક્ટર અને સમગ્ર વહિવટી તંત્રને અછત દરમ્યાન કરેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છી માડુ તેમજ કચ્છની સ્વૈચ્છીક સંસ્થાઓએ દુકાળ દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી, વહીવટી તંત્રના કર્મચારી-અધિકારીઓએ દુકાળના દિવસોમાં એકપણ રજા લીધા વગર સતત દિવસ રાત જાગીને જે કામગીરી કરી છે તેની પણ મુખ્મયમંત્રીએ સરાહના કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે રાજ્ય સરકારે કચ્છ જિલ્લાની વિશેષ ચિંતા કરી હોવાનો ઉલ્લેખ કરી સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. સરકારે દુકાળના સમયે કચ્છીઓની સતત ચિંતા કરી પરિણામલક્ષી કાર્યો કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.