પાલીતાણામાં આસ્થાભેર છ’ગાઉ યાત્રા સંપન્ન

748
bvn2822018-20.jpg

જૈનોના પ્રસિધ્ધ યાત્રાધામ પાલીતાણાના શેત્રુંજય તિર્થ પર આજે ફાગણ સુદ-તેરસ ઢેબરીયા મેળામાં આદિશ્વરદાદાના જયઘોષ સાથે હજારો ભાવિકોએ છ’ગાઉની યાત્રા આસ્થાભેર સંપન્ન કરી હતી. દેશ વિદેશના હજારો યાત્રિકોનું વિવિધ સંઘો તેમજ પરિવારો દ્વારા ૮૪ રૂા.નું સંઘ પૂજન કરવામાં આવેલ. શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ગિરીરાજ શેત્રુંજય પર આજે વહેલી સવારે આદિનાથદાદાની જય સાથે વહેલી સવારથી છ’ગાઉ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજના દિવસે શેત્રુંજય પર કૃષ્ણના બે પુત્રો પ્રદ્યુમન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે મોક્ષ પામ્યા હતા ત્યારે જૈનોમાં આજની છ’ગાઉ યાત્રા કરવાથી મોક્ષની પ્રાપ્ત થતી હોવાની માન્યતા હોય દેશ-વિદેશના પચાસેસ હજાર યાત્રિકો, સાધુ-સાધ્વીજીઓ સહિતે યાત્રા કરી હતી. જો કે ગત વર્ષ કરતા આ વખતે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
યાત્રા પૂર્ણ થતા ઘેટી ગામે ૯૭ પાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલમાં પહોંચતા પૂર્વે યાત્રા કરનાર તમામ યાત્રિકોનું વિવિધ સંઘો અને વિવિધ પરિવારો મળીને ૮૪ રૂા.નું સંઘ પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે પાલમાં ચા, ઉકાળો, લીંબુ-પાણી, પંજાબી લસ્સી, દહી-પુરી-થેપલા, સુકીભાજી, તરબુચ, દ્રાક્ષ, ખીચડી-કઢી, ખાખરા, સાકર પાણી, સુકામેવા સહિત વિવિધ વાનગીઓ સાથે યાત્રિકોની ભક્તિ કરવામાં આવી હતી.
પાલીતાણાથી પાલ સુધી જવા માટે તંત્ર દ્વારા ૪૦ બસો દોડાવવામાં આવેલ. જ્યારે પાલીતાણાથી આદપુર જવાનો રસ્તો બિસ્માર હોય યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે યાત્રિકોની સંખ્યા ઓછી હોવાના કારણે જૈન ધર્મશાળાના અમુક રૂમો ખાલી રહેવા પામ્યા હતા. જ્યારે પાલીતાણાથી ઘેટી જવાના રસ્તે યાત્રિકોની ભરેલી એક ઓટો રીક્ષા રોડથી નીચે ગબડી પડતા યાત્રિકોને સામાન્ય ઈજા થવા પામી હતી. જો કે રીક્ષા ચાલકો દ્વારા યાત્રિકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનો પણ ચણભણાટ સંભળાયો હતો. છ’ગાઉ યાત્રા શાંતિથી સંપન્ન થતાં તંત્રએ રાહત અનુભવેલ. આવતીકાલ તા.ર૮ના રોજ બે તીથીને માનનારા ભાવિકો છ’ગાઉની યાત્રા કરશે અને પૂણ્યનું ભાથુ બાંધશે. જેમાં ૮ થી ૧૦ હજાર લોકો જોડાવાનું અનુમાન છે તેમજ ગઈકાલે તા.ર૬ના રોજ કચ્છી લોકોએ છ’ગાઉ યાત્રા કરેલ. જેમાં ત્રણેક હજાર યાત્રિકો જોડાયા હતા.

Previous articleઆશાવર્કર અને તેના પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
Next articleવિધાનસભાના દ્વારેથી