તાજેતરમાં ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ પશુઓમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર નામના રોગના લક્ષણો જોવા મળ્યા છે. આ ઘાતક રોગ એક ખાસ પ્રકારના વાઈરસ થી થતો રોગ છે. આ રોગ થવા માટે મુખ્ય જવાબદાર પશુઓના લોહી પર નભતી ઈતરડી છે. ઈતરડી આપણને કરડવાથી વાઇરસ શરીરમાં ફેલાય છે અને ૩૦ ટકા કિસ્સાઓમાં મૃત્યુ થવાની સંભાવના છે. આ રોગ પશુઓના વ્યવસાય સાથે જોડાયેલા લોકો તથા તેના કુટુંબીજનોને થઈ શકે છે. આ રોગની સારવાર કરતાં આરોગ્ય કર્મચારી ને પણ થવાની શક્યતા રહેલી છે. ઇતરડી કરડ્યા બાદ એક થી ત્રણ દિવસ સુધીમાં આ રોગના લક્ષણો દેખાઇ શકે છે. શરૂઆતમાં સખત તાવ, માથું દુખવું, સ્નાયુ નો દુખાવો, ઉલટી ઉબકા, પેટમાં દુખાવો, થાક લાગવો, ચક્કર આવવા, સાંધાનો દુખાવો, લાલાશ વાળી આંખો તથા દાંતના પેઢામાંથી લોહી નીકળવું એ આ રોગના મુખ્ય લક્ષણો છે. ઉપરોક્ત લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. ઈતરડી થી બચવા માટે આછા કલરના આખા શરીરને ઢાંકતા કપડાં પહેરવા, હાથ પગ ના મોજા પહેરવા તથા પશુ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ગમાણ ની સફાઈ રાખવી ખુબ જરૂરી છે. પશુ ડોક્ટરનો સંપર્ક કરીને ઇતરડી મારવાની દવાનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો તથા પશુ વ્યવસાય સાથે જોડાયેલા લોકો ચામડી પર ઇતરડી ને દૂર રાખે તેવી જંતુનાશક ટ્યુબ પણ લગાવી શકે છે.
આ રોગને અટકાવવા માટે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે માટે લોકો, લોક આગેવાનો તથા પશુપાલકો આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી જેવી કે દવા છંટકાવ, પશુ સારવાર તેમજ બિમારી વિશેની માહિતીમાં સહયોગ આપે એ ખૂબ જરૂરી છે.