આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવનગર તાલુકાના કોળીયાક ખાતે આવેલ પ્રસિધ્ધ નિષ્કલંક મહાદેવના દરિયે પવિત્ર સ્નાન કરવા ભાવનગર શહેરજિલ્લા સહિત રાજ્યભરમાંથી લાખ્ખો લોકો ઉમટી પડ્યા હતા. અને સ્નાન કરી નિષ્કલંક બન્યા હતા. અહી ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાથી તમામ ધોવાઈ જતા હોવાની પૌરાણીક લોકવાયકા ચાલી રહી છે. કોળીયાકના પ્રસિધ્ધ નિષ્કલંક મહાદેવના દરિયે ભાદરવી અમાસ નિમિત્તે પંરપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેની તંત્ર દ્વારા અગાઉથી તૈયારીઓ કરાઈ છે. ભાદરવી અમાસના આગળના દિવસથી મેળાનો પ્રારંભ થઈ જાય છે. અને દુર દુરથી આવેલા આખી રાત મેળાની મજા માણે છે. અહી રાત્રીના ભજન, કિર્તન અને ડાયરાની મોજ પણ અવિરત ચાલતી હોય છે. અને સવારના તંત્રના આદેશ સાથે લોકો નિષ્કલંકના દરિયામાં સ્નાન કરી પવિત્ર બને છે. અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે.અહી પૌરાણીક લોક વાયકા પ્રમાણે કૌરવ પાંડવોના યુધ્ધ બાદ પાંડવો સમગ્ર દેશમાં કાળી ધ્વજા લઈને નીકળ્યા હતા અને કોળીયાક પહોચતા ત્યાં તેઓની ધ્વજા શ્વેત થઈ જતા પોતે નિષ્કલંક થયા હોવાની માની ભીમે દરિયાની વચ્ચે શિવલીંગની સ્થાપના કરી ત્યારથી દરિયાની વચ્ચે આવેલા આ શિવલિંગને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને ભાદરવી અમાસના દિવસે પવિત્ર સ્નાન કરવાથી લોકોના સમગ્ર પાપ ધોવાઈ જતા હોવાનું પણ મનાઈ છે ત્યારે અહી ભાદરવી અમાસના દિવસે લાખ્ખો લોકો સ્નાન કરવા આવે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે નિષ્કલંક મહાદેવના દરિયામાં દોઢેક લાખ ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યુ હતું. અહી વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા મહાપ્રસાદનું વિતરણ સહિતનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યારે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવી લોકોને કોળીયાક સુધી લાવવા લઈ જવામાં ઉપયોગી બનેલ. ગુંદી ગામે ગ્રામ પંચાયત દ્વારા વાહન પા.કગની પણ ફ્રી સુવિધા આપવામાં આવેલ.