પ્રશ્નોના વિરોધમાં રાજ્યના ખેડૂત ધરણાં કરવા સુસજ્જ

1836
guj2822018-5.jpg

નર્મદાનું પાણી નહી અપાતા, ટેકાના ભાવ, દેવા નાબૂદી, પાક વીમાનું વળતર, વીજપુરવઠો સહિતના વણઉકલ્યા પ્રશ્નોને લઇ ગુજરાતભરના ખેડૂતો દ્વારા તા.૧૨થી તા.૧૬ માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પાંચ દિવસના વિશાળ ધરણાં યોજવાનું આયોજન કરાયું છે. ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંગઠન અને અખિલ ભારતીય કિસાન સભાના એક એક આગેવાન પણ રોજરોજ ખેડૂતો સાથે ધરણાંમાં બેસશે અને સરકાર સામે વિરોધનો મોરચો ખોલશે. નર્મદાનું પાણી, ટેકાના ભાવો, પાક વીમા વળતર સહિતના પ્રશ્નોને લઇ રાજયભરના ખેડૂતોમાં ભાજપ સરકાર સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ ધરણાંનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં રાજયભરમાંથી ખેડૂતો જોડાય તેવી શકયતા છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ અંગે જણાવાયું છે કે, ગુજરાત સરકારને નર્મદાના પાણી અને કલ્પસરના કામોનો હિસાબ, દેવા નાબૂદી અને પાક વીમાનું વળતર મેળવવામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ટેકાના ભાવમાં વધારો, ખેતીમાં અપાતી વીજળીના ભાવોની વિસંગતતા, અન્ય રાજયોની જેમ ખેડૂતોને વીજળી મફત આપવા અને ખેડૂત વિરોધી નીતિઓ રદ કરવા સહિતના અનેક પ્રશ્નોને લઇ ઘણા લાંબા સમયથી વારંવાર રજૂઆતો કરાઇ છે પરંતુ આજદિન સુધી તેનું કોઇ જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ભાજપ સરકાર ખેડૂતોની વેદના સાંભળતી નથી કે, ખેડૂતોને બોલવા પણ દેતી નથી. ખેડૂતોને તેમનો વિરોધ કે કોઇ કાર્યક્રમ રજૂ કરવો હોય તો પણ મંજૂરીઓ અપાતી નથી. જેથી આ ગંભીર સમસ્યાને લઇ ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનના ૩૦થી ૩૫ આગેવાનોની એક મહત્વની બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન જ ખેડૂતોના ધરણાં યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  જેના અનુસંધાનમાં તા.૧૨થી ૧૬ માર્ચ દરમ્યાન ખેડૂતોની ઉપરોકત માંગણીઓને લઇ રાજયભરના ખેડૂતો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સતત પાંચ દિવસ સુધી ધરણાં યોજવાના વિરોધ કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું હતું. આ ધરણામાં ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંગઠન અને અખિલ ભારતીય કિસાન સભાના એક એક આગેવાન પણ રોજરોજ ખેડૂતો સાથે ધરણાંમાં બેસશે અને સરકાર સામે વિરોધ વ્યકત કરશે. ખેડૂત સમાજ અને સંગઠનો તરફથી રાજકીય પક્ષો અને આગેવાનોને પણ ખેડૂતોના હિતમાં પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Previous articleચાઇલ્ડ ટ્રાફિંકીંગ : બે વર્ષમાં ૪,૮૦૩ બાળકો ગુમ
Next articleદલિતોનો પક્ષ લેતી કોંગીના વલણથી હાર્દિક ભારે ખફા