દારૂ પર પ્રતિબંધ ધરાવતા ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે બગોદરા પોલીસે બગોદરા લીંબડી હાઇવે ટોલટેક્સ પસાર કરી મીઠાપુર ગામના જુના બસ સ્ટેન્ડ સામે એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં રૂ.૧ લાખ ૫૧ હજાર ૨૦ની કિંમતના ૬૩ બોક્સમાં ૧૫૧૨ બિયર ટીન અને રૂ. ૨૧ લાખ ૪૫ હજાર ૬૦૦નો ભારતીય બનાવટનો ૫,૩૬૪ બોટલ દારૂ પકડ્યો છે. દારૂ મોકલનાર અને મંગાવનારના નામનો ખુલાસો પૂછપરછમાં થશે.
આ ઉપરાંત રૂ. ૭ લાખ ૮૬ હજારની કિંમતની સફેદ પ્લાસ્ટિકના દાણા ભરેલી ૩૯૩ સીલ પેક બેગ તથા રૂા.૧૦ લાખની કિંમતનો ટ્રક મળીને કુલ ૪૦ લાખ ૮૩ હજાર ૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.
બગોદરા લીંબડી હાઇવે ટોલટેક્સ પસાર કરી મીઠાપુર ગામના જુના બસ સ્ટેન્ડ સામે હાઈવેની સાઇડમાં બંધ હાલતમાં એક ૧૨ વ્હીલની ટાટા ટ્રક(ેંઁ-૧૨-છ્-૫૯૬૧)રોડની સાઇડે ઉભી હતી અને આ ટ્રક શંકાસ્પદ જણાતા તાડપત્રી ખોલી તપાસ કરતા સફેદ પ્લાસ્ટિકના દાણા ભરેલી કંપની સીલ પેક બેગો ગોઠવેલી હતી, જે હટાવીને જોતા બેગો નીચે જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો દારૂ અને બિયર પડેલા હતા.
જ્યારે ૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદના સોલા-હેબતપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બાવળની ઝાડીઓ અને ઘાસની આડમાં છૂપાવેલી વિદેશી દારૂ-બિયરની ૪૨૬ પેટી (રૂ.૧૭.૪૨ લાખ) સાથે એક બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો એક દિવસ પહેલા જ રાતના સમયે આ ખેતરમાં ઉતારવામાં આવ્યો હતો. જોકે દારૂનો જથ્થો મોકલનાર ૨ બુટલેગર તેમજ ખેતર માલિક સહિતના આરોપી ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.