ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં આવેલા શોપીંગ સેન્ટરમાં ર્પાકિંગના નામે ફુવારા અને બગીચા દુર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. તેની સામે જાગૃત નાગરિક પરિષદે વિરોધ નોંધાવ્યો છે. આ શોપીંગ સહિત આસપાસના વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નગરજનોને પણ સારી સુવિધા મળી શકે અને હાલમાં જે હાલાકીનો સામનો લોકોને કરવો પડે છે તેમાંથી પણ છુટકારો મળી શકે તેમ છે.
રાજ્યના પાટનગરના સેક્ટર-૨૧માં આવેલાં શોપીંગ સેન્ટરમાં ર્પાકિંગની સમસ્યા ઉભી થઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા શોપીંગમાં ઉભા કરાયેલા ફુવારા અને બગીચાને દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે ત્યારે શહેર જાગૃત નાગરિક પરિષદની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં સભ્યોએ વિરોધ પ્રગટ કર્યો હતો. આ નિર્ણયને રદ કરીને તેની સામે સમગ્ર વિસ્તારમાં રીડેવલપમેન્ટ કરવામાં આવે તો લોકોને પણ સારી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકશે.
રોજના અસંખ્ય લોકો શોપીંગમાં ખરીદી અર્થે આવે છે ત્યારે તહેવારોના સમયમાં ભારે ભીડ પણ એકઠી થતી હોય છે. ત્યારે આગ, ભારે વરસાદ અને અન્ય કુદરતી આપત્તિ સર્જાય ત્યારે લોકોને રક્ષણ મળી શકે તે માટે ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે. તેથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને તંત્ર દ્વારા બનાવવામાં આવેલાં ફુવારા અને બગીચાને દુર કરવાના બદલે આ વિસ્તારમાં તેની જાળવણી માટે નિયમિત સ્ટાફ મુકવામાં આવે તો આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે તેમ છે.
તો બીજી તરફ સેક્ટરમાં આવેલાં અપના બજાર સહિત અન્ય વિસ્તારોમાં જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ વાહન વ્યવહાર તેમજ ર્પાકિંગ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો હાલમાં જે પાર્કિગની સમસ્યા સર્જાય છે તેનો પણ ઉકેલ આવશે. ડીસ્ટ્રીક્ટ શોપીંગ સેન્ટરથી માઉન્ટ કાર્મેલ સુધી આવેલી ખુલ્લી જગ્યામાં પણ તંત્ર દ્વારા ર્પાકિંગ બનાવવામાં આવે તો લોકોને વાહન પાર્ક કરવામાં પણ સરળતાં મળી શકશે.
આમ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નગરજનોને પણ તેનો લાભ મળી શકે તેમ છે.