પાટનગરમાં મીટરથી ૨૪ કલાક પાણીની યોજનાને મુખ્યમંત્રીની મંજૂરી

440

ગાંધીનગર શહેરમાં મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાની યોજના નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, તે સમયે કાગળ પર ચીતરવામાં આવી હતી. પરંતુ હવે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં તેનો અમલ થઇ જવાની શક્યતા છે.

મુખ્યમંત્રી દ્વારા ૨૪૧ કરોડના ખર્ચની આ યોજનાને મહાપાલિકાના મેયર અને કમિશનર તથા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેને અંતિમ મંજુરી આપી દેવાઇ છે. તેથી હવે આગામી દિવસોમાં પાણીની સુવિધા વધશે.

જોકે યોજના સંબંધે જમીન પરની કામગીરી આગામી ફેબ્રુઆરી, માર્ચ મહિનાથી શરૂ થઇ શકશે. અમલ થવાની સાથે રહેવાસીઓનો પાણીનો ખર્ચ બેવડાઇ જવાનો છે. પરંતુ ૧૭ મીટરની ઉંચાઇ સુધી મતલબ કે ૩જા અને ૪થા માળ સુધી પુરા ફોર્સથી પાણી પહોંચાડવાનું આયોજન કરાશે.

પાણી વિતરણનું તમામ વ્યવસ્થાપન અને વહિવટ હાલમાં પણ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ૨૪ કલાક પાણી મીટર મુકીને આપવાની ગંજાવર ખર્ચની યોજના મહાપાલિકા અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવી છે.

પાણીનો પર્યાપ્ત જથ્થો તો નર્મદા કેનાલ આધારિત ઉપલબ્ધ છે, પરંતુ દિવસે કે રાત્રે કોઇપણ ક્ષણે ૧૭ મીટરની ઉંચાઇ સુધી પાણી પહોંચાડવા માટે જરૂરી તમામ ઇજનેરી વ્યવસ્થા નવેસરથી ઉભી કરવાની થશે. તેમાં સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં પાઇપ લાઇન નેટવર્ક અપગ્રેડ કરવાની સાથે સરિતા ઉદ્યાન અને ચરેડી વોટર વર્કસ પર નવી ઉંચી ટાંકીઓ અને પમ્પિંગ સ્ટેશન પણ નવા બાંધવાનું અનિવાર્ય બનશે.

નગરમાં ૫૦ મીટરથી લઇને ૩૦૦ મીટરથી વધુના બાંધકામ આધારે દર નિયત છે. પરંતુ ૮૧થી ૯૦ મીટર, ૧૩૫થી ૨૦૦ મીટરના મકાન વધુ છે. તેનું સરેરાશ બિલ રૂ.૩૩૩થી ૭૯૫ આવે છે. પરંતુ ૨૦ હજાર લીટર પાણી રૂ.૧૦૦ અને ત્યારબાદ દર હજાર લીટરના ૧૦ વસૂલાશે. મહિને ૩૦ હજાર લીટર વપરાશ એક પરિવારનો ગણતા મહિને ૨૦૦ ચૂકવવાના થશે.

સ્માર્ટ સિટી હેઠળની આ યોજના અંતર્ગત સોસાયટી કે સેક્ટરના વિભાગ દીઠ નહીં પરંતુ દરેક ઘરે પાણીના મીટર મુકવામાં આવશે. પરિણામે પરિવાર પાણીના વપરાશનું મેનેજમેન્ટ કરી શકશે. જેના કારણે કયા ઘરમાં કેટલું પાણી વપરાય છે તેનો સીધો અંદાજ લગાવી શકાશે.

હાલ સરકારી આવાસમાં મફતના ભાવે પાણી અપાય છે, ખાનગી આવાસ પાસેથી ક્ષેત્રફળ આધારિત પાણી અને ગટર વેરો વસૂલાય છે. અંદાજે ૫૫ હજારથી વધુ મિલકતની કુલ આવક ૩ કરોડ જેવી થાય છે. તે વધીને ૨૧ કરોડ પર પહોંચવાનો અંદાજ છે.

Previous articleસે-૨૧ શોપીંગમાં ફુવારા દુર કરવાના બદલે રીડેવલપમેન્ટ કરવું જોઇએ
Next articleશહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રી ભારે પવન સાથે અનેક વિસ્તાર ધોધમાર વરસાદ