જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ખીણમાં માહોલ ખરાબ કરવાના તમામ પ્રયાસમાં છે. વિદેશ મંત્રી મહેમુદ શાહ કુરૈશીએ શરતી વાતચીતની ઓફર કરી છે. પરંતુ સાથે સાથે આવી ઓફરની વચ્ચે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસાડીદેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. વાતચીતની ઓફરના બહાને પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરીને ત્રાસવાદીઓને ઘુસાડીને મોટા હુમલા કરાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર સંસ્થા આઈબી તરફથી જણાવવામાં આવ્યું છે. એનસીઆર અને દિલ્હીમાં પણ મોટા આતંકવાદી હુમલાનો ખતરો દેખાઈ રહ્યો છે. જૈશ અને તોયબાના ત્રાસવાદીઓની પોલ ખુલી ગયા બાદ પાકિસ્તાન દ્વારા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી આઈએસઆઈના નવા પોસ્ટર બોય અલ ઉમર મુજાહિદ્દીનને બનાવવામાં આવ્યો છે. ખીણથી બહાર મોટા ત્રાસવાદી હુમલા આ શખ્સ કરી શકે છે. પાકિસ્તાનથી અનેક આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરના ઘુસણખોરીની વાત સામે આવી રહી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન એયુએમના ત્રાસવાદી મુસ્તાક અહેમદ ઉર્ફ મુસ્તાક લાતરામ છે. એમ માનવામાં આવે છે કે, મુસ્તાકના મોડ્યુલે આ વર્ષે બાર જુનના દિવસે શ્રીનગર નજીક અનંતનાગમાં ત્રાસવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને પોકમાં યુવાનોની ભરતી પણ મોટા પાયે કરવામાં આવી રહી છે. આઈએસનો હેતુ ત્રાસવાદીઓને જમ્મુ કાશ્મીરમાં ઘુસાડી દઈને ભારતના અન્ય વિસ્તારમાં હુમલા કરાવવાનો છે. ગુપ્તચર રિપોર્ટની બાબત પર વિશ્વાસ કરવામાં આવે તો પોકમાં ઓછામાં ઓછા પાંચ નવા ત્રાસવાદી સંગઠનો આવી ગયા છે. આમાથી દરેક ગ્રુપમાં પાંચ થી સાત ત્રાસવાદીઓ છે. કાશ્મીર ખીણમાં આ ત્રાસવાદીઓએ ઘુસણખોરી કરી લીધી છે.
અન્ય ૨૫૦ ત્રાસવાદીઓ ખીણમાં ઘુસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને સમર્થન આપી રહી છે. પાકિસ્તાની સેના હજુ સુધી ઓગસ્ટ મહિના બાદથી ૨૫૦ વખત યુદ્ધ વિરામનો ભંગ કરી ચુકી છે. જુન મહિનામાં ૧૮૮ વખત યુદ્ધ વિરામનોે ભંગ કરાયો હતો. આ વર્ષે જુન જુલાઈમાં લોન્ચ પેડ પર ત્રાસવાદીઓની સંખ્યા ઓછી હતી. કારણ કે પાકિસ્તાન નાણાંકીય ક્ષેત્રની ટાસ્કફોર્સ દ્વારા તપાસ કરી રહ્યું હતું. છેલ્લા બે સપ્તાહમાં ૩૦૦થી વધુ ત્રાસવાદીઓ પોકમાં લોન્ચપેડ ઉપર જમા થાય છે. તમામ રિપોર્ટ સંકેત આપે છે કે, આતંકવાદી હુમલાનો ખતરો રહેલો છે. ત્રાસવાદી સંગઠનોએ કાશ્મીરમાં દુકાનો ખોલવા, ઓફિસ જવા, ડ્રાઇવરો અને બાળકોને સ્કુલ મોકલવાની સામે ચેતાવણી આપી છે. ચેતવણીના પોસ્ટર પુલવામા, અનંતનાગ, શોપિયાં જેવા વિસ્તારમાં મુકવામાં આવ્યા છે. આ ઘમકી ભર્યા પોસ્ટર મુકવામાં આવ્યા બાદ દહેશત વધારે ફેલાઈ ગઈ છે. એકબાજુ સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ત્રાસવાદીઓ અને કટ્ટરપથીઓ આ પ્રકારના પોસ્ટર લગાવીને લોકોને ભયભીત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.