મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધવાની શક્યતા દેખાઈ રહી છે. ઘાયલ થયેલા લોકો પૈકી આંકડો ૫૮નો દર્શાવવામાં આવ્યો છે. સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ થયો ત્યારે કેમિકલ ફેક્ટરીમાં ૧૦૦થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મૃતકના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી છે. ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, ઘણા અંતર સુધી આનો અવાજ સ્પષ્ટ પણે સંભળાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટના કારણે કંપનીને પણ ખુબ નુકસાન થયું છે. બનાવના સ્થળ પર તરત જ અધિકારીઓ પહોંચી ગયા હતા અને કાટમાળને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, સિલિન્ડર વિસ્ફોટના સમયે ૧૦૦થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. આ ફેક્ટરી શિરપુર તાલુકાના વઘાડી ગામમાં સ્થિત છે. આ ઘટના આજે સવારે ૯.૪૫ વાગે થઈ હતી. અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, કેટલાક સિલિન્ડરમાં એક સાથે બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી. આઠ લોકોના મૃતદેહ બચાવ કામગીરી દરમિયાન હાથ લાગ્યા હતા. અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે,વિસ્ફોટના સમયે મોટી સંખ્યામાં કામદારો અને કર્મચારીઓ હોવાથી વધારે નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે.