વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. આજે ધારી તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત ૬૦ કાર્યકરોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે ટિફિન મીટીંગ યોજાઈ હતી. જે મીટીંગમાં પરષોતમ રૂપાલા અને મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટણી સહિત ૬૦ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વિધાનસભા બાદ અને લોકસભાની ચૂંટણી પછી પણ થોડા થોડા સમયના અંતરે કોંગ્રેસની છાવણીમાંથી રાજયના જુદા જુદા જિલ્લા અને તાલુકા મથકોએથી સ્થાનિક આગેવાનો, નેતાઓ અને કાર્યકરો પક્ષ સાથેની નારાજગી કે આંતરિક વિખવાદ સહિતના કોઇક ને કોઇક કારણસર કોંગ્રેસમાંથી રાજીનામું આપી, પક્ષ સાથેનો છેડો ફાડી ભાજપમાં જોડાઇ રહ્યા છે. બીજીબાજુ, ભાજપ તેના સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરક્ષેત્રાના માણસોને પક્ષ સાથે જોડી રહ્યા છે. તો, એક પછી એક કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો આ પ્રકારે ભાજપમાં જોડાઇ રહ્યા હોવાથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં પણ ચિંતા, નિરાશાની લાગણી પ્રસરી રહી છે.