રાજ્યમાં કોંગો ફિવર દિવસેને દિવસે વકરી રહ્યો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવરને લઈને વધારે દહેશત જોવા મળી રહી છે. કોંગો ફીવરના બે દર્દીઓના રિપોર્ટ હળવદમાં પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્યના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શંકાસ્પદ ૧૩ મરીજો છે. આરોગ્ય વિભાગ સંપૂર્ણ પણે સજ્જ છે. કોંગો ફીવરના બે પોઝિટિવ દર્દી મળ્યા બાદ તેમને અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે હળવદ-માળિયા ચોકડી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા ૬૫ જેટલા મજૂરો બીમાર પડતા તમામને લેબોરેટરી ચેકઅપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧ મજૂરોને શંકાસ્પદ કોંગો જણાતા તેમના બ્લડ સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે નેગેટિવ આવતાં તંત્રએ કંઇક અંશે રાહતનો દમ લીધો છે. જો કે, હાલ આ તમામ મજૂર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ૧૧ લોકો રજા લઈ ધરે જાય તો પણ તેમનો તંત્ર દ્વારા સંપર્કમાં રાખવામાં આવશે, ખાસ કરીને તેઓને ફરી તાવ આવે છે કે કેમ તેની સાવચેતી અને જાણકારી રાખવામાં આવશે. તંત્ર દ્વારા પહેલેથી જ પશુ પાલકોને જરૂરી સાવચેતી રાખવી સ્પષ્ટ તાકીદ કરાઇ છે. આ સિવાય બે દિવસ પહેલા ત્રણ મજૂરોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાંથી બે મજૂરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એલ. વારેવીયા, એપેડેમિક શાખા(ગાંધીનગર)ના નાયબ નિયામક ડો. દિનકર રાવલ હળવદ દોડી ગયા હતા. જેમાં આરોગ્ય વિભાગના ડોકટર સહીત આરોગ્ય વિભાગના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમિયાન હળવદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.કૌશાલભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ગુજરાત સરકાર દ્વારા તમામ સગર્ભા બહેનોને તેમજ મેલેરિયા વધુ જોવા મળતા ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલ કોંગો ફિવર માથું ઉંચકી રહ્યો છે ત્યારે અગાઉ લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા, લીલાબેન સિંધવ અને ભાવનગરના કમળેજ ગામના અમુબહેનના કોંગો ફિવરથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે જામડીમાં કોંગો ફિવરને કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુ કુમરબેન સિંધવ(ઉ.વ ૯૫)નો કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોંગો ફિવરને લઇ તંત્ર એલર્ટ પર છે.