ધોલેરાની પરણીતાએ પુત્રની હત્યા કરી પોતે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર

837

ધોલેરા ખાતે દરજી શેરીમાં રહેતા નેપાળી પરિવારની પરણિતાએ ગત મોડી રાત્રીથી આજે વહેલી સવાર સુધીમાં પતીએ બે દિવસ પછી વતન નેપાળ જવાનું કહેતા લાગી આવતા અઢ્ઢી વર્ષના માસુમ પુત્રનું ગળુ કાપી હત્યા કરી બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે ધોલેરા પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નેપાળના કંચનપુર જિલ્લાના બેલદાંડી તાલુકાના વતની અને હાલ અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે દરજી શેરીમાં રહેતા અને પરચુરણ કામ કરતા બીરબહાદુર ધનાસિંઘ જાતે સુનાર (સોની ઉ.વ.૨૩)ની પત્ની શાંતીબેન (ઉ.વ.૨૨)ને તેના વતન નેપાળ જવુ હોય તેના પતીને કહેલ આથી તેના પતીએ પહેલી તારીખે જવાનું કહેતા શાંતીબેનને લાગી આવતા અને મનોમન મરવાનું નક્કી કરી લેતા ગત મોડી રાત્રેથી આજે વહેલી સવારના પ્રથમ પોતાના પુત્ર લક્ષ્મણ ઉર્ફે ગણેશને પોતાના મર્યા પછી કોણ સાચવશે તેમ સમજી માસુમ પુત્રને ગળાપર ચપ્પુના ઘા મારી મોત નિપજાવી પોતે પણ જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સવારે જાણ થતા તુરંત જ ધોલેરા પો.સ્ટે.માં જાણ કરતા પી.એસ.આઈ.ડી.જી. ગોહિલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એફએસએલને બોલાવી નમુનાઓ પણ લીધા હતા. આ બનાવ બીરબહાદુરસીંઘ ધનાસીંઘે જાહેર કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ માસુમ પુત્રનું ગળુ કાપી હત્યા કર્યા બાદ પરણીતાએ પણ ગળાફાંસો આપઘાત કરવાની ઘટનાથી સમગ્ર પંથકમાં અને નેપાળી પરિવારોમાં ચકચાર મચી જવા પામી છે.

Previous articleભાવનગર માહિતી કચેરીના ટેકનીકલ આસી. એમ. કે. કાપડીયાનો વિદાય સમારંભ યોજાયો
Next articleભાવનગર – પીપળી હાઈ-વે પર પડેલા ગાબડા હવે તો પુરો – સૌરાષ્ટ્ર ચેમ્બર