આવતીકાલથી શહેરમાં ઠેર-ઠેર ગણેશઉત્સવનો પ્રારંભ

687

તા. રને સોમવારથી ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવોના ભવ્ય આયોજનો શરૂ થશે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા આ વખતે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સતત ૧રમાં વર્ષે ક્રેસન્ટ સર્કલ ખાતે  ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવાર- સાંજ મહા આરતી થાળ તેમજ દરરોજ વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. લોક ડાયરો, નૃત્ય તેમજ રામદરબાર સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત સિધ્ધ વિનાયક ગૃપ દ્વારા ઘોઘાસર્કલ ખાતે સતત આઠમાં વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. જેમાં સોમવારે સવારે ગણેશ સ્થાપન કરાયા બાદ દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સત્યનારાયણ દેવની કથા, છપ્પન ભોગ, મહાવીર રામદરબાર, કઠપુતળીનો ખેલ, ફેન્ચી ડ્રેસ સ્પર્ધા, દેશ ભક્તિ ડાયરો તેમજ રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે વીર માધાતા કોળી સમાજ સંગઠન દ્વારા પાનવાડી ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેનું વિસર્જન તા. ૧રના રોજ કરવામાં આવશે. વડવા પાદર દેવકી યુવક મિત્ર મંડળ દ્વારા સોમવારથી સતત ૧૦માં વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વડવા કા દાદા ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં સત્યનારાયણ દેવની કથા, સમુહ આરતી, આનંદ ગરબા પાઠ, આરતી સ્પર્ધા, વાલ્મીકી રામ દરબાર સંર્કિતન, છપ્પન ભોગ દર્શન તેમજ સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે.

રિધ્ધી સિધ્ધી  મિત્ર મંડળ કાળીયાબીડ વસાહત દ્વારા પ્રથમ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ મહાઆરતી, થાળ તેમજ સાંસ્કૃત અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.  મેઘાણી સર્કલ ખાતે આવેલ મહાકાળી મંદિરે મહાકાળી માતાજી મિત્ર મંડળ દ્વારા દ્વિતિય સાર્વજનીક ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.  જેમાં  આરતી થાળ સહિત ઓપન ડાન્સ કોમ્પીટીશન, જુનીયર બચ્ચન દ્વારા કેબીસી તથા ડાન્સ પ્રોગ્રામ, જાદુગર તથા પપેટ શો, ચિત્ર સ્પર્ધા, ડી-ફોર ડાન્સ દ્વારા ડી.જે. પ્રોગ્રામ, બ્લડ ડોનેશન કેમ્પ ભારત માતાનું પુજન, અંધ ઉદ્યોગ શાળાના બાળકો દ્વારા સંગીત પ્રોગ્રામ, સત્યનારાયણ દેવની કથા, છપ્પન ભોગ સહિતનું આયોજન કરવામાં આવેલ છે. જયારે બાપા સિતારામ યુવક મિત્ર મંડળ વડવા ચાવડી ગેટ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં સત્ય નારાયણ દેવની કથા બટુક ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.

આ ઉપરાંત  સમસ્ત સરિતા પરિવાર ગણેશ યુવક મંડળ દ્વારા લાલભા ગોહિલની આગેવાની હેઠળ સરિતા કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સત્યનારાયણ દેવની કથા રંગકસુબલ ડાયરો, બટુક ભોજન, ડાક -ડમરૂ, છપ્પન ભોગ સહિતના કાર્યક્રમો યોજાશે. કણબીવાડ ખાતે પટેલ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત શહેરના કાળીયાબીડ ખાતે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો ૯મો પાટોત્સવ યોજાશે. જેમાં  ધ્વજા પુજન, મહાયજ્ઞ, સત્સંગ સહિતના કાર્યક્રમ યોજાશે. આમ ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ યોજાનાર ગણેશોત્સવનું તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આકર્ષક ડોમ અને લાઈટ ડેકોરેશન સહિતના શણગાર કરાઈ રહ્યા છે. જયારે ગણેશજીની મુર્તિઓને કારીગરો દ્વારા ફાઈનલ ટચ આપી તૈયાર કરાઈ રહી છે.

Previous articleભાવનગર – પીપળી હાઈ-વે પર પડેલા ગાબડા હવે તો પુરો – સૌરાષ્ટ્ર ચેમ્બર
Next articleભાવનગર : ૩  પુત્રોની હત્યા કરતો પોલીસ કોન્સ્ટેબલ પિતા