બિહારની જેલોની અંદર યોજાતી પાર્ટી અને પિકનિક ઉજવણીની વાત જગજાહેર છે. ક્યારેક કોઈ જેલમાં ચિકન-મટન પાર્ટીની તસવીરો આવે છે તો ક્યારેક ડાન્સ અને સેલ્ફીવાળી તસવીરો. કંઈક આવી જ તસવીરો સામે આવી છે સીતામઢી જેલથી જ્યારે એક ડૉનની બર્થડે પાર્ટી ઉજવવામાં આવી. આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પાર્ટી સીતામઢી જેલમાં કેદ કુખ્યાત પિન્ટૂ તિવારીના જન્મદિવસે ઉજવવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ જેલતંત્રએ પગલાં લેતા ચાર ગાર્ડને સસ્પેન્ડ કરી દીધા છે.
બર્થડે પાર્ટીના આ વીડિયોમાં કુખ્યાત ધીરજ જાયસવાલ અને સત્યેન્દ્ર કુમાર પણ જોવા મળે છે. પિન્ટૂ તિવારી દરભંગાના એન્જિનિયર ડબલ મર્ડર કેસમાં સીતામઢી જેલમાં કેદ છે. સૌથી પહેલા પિન્ટૂ કેક કાપે છે. આ દરમિયાન કેકની બાજુમાં મીઠાઈઓથી ભરેલી ટ્રે પણ જોવા મળે છે, જેને કેક કાપ્યા બાદ કેદીઓમાં વહેંચવામાં આવે છે. બર્થડે પાર્ટી બાદ ત્યાંના કેદીઓને ચિકન પાર્ટી પણ આપવામાં આવી અને પંગત પણ લાગી. આ દરમિયાન કેદીઓએ ચિકન-ભાત અને સલાડની જાયફત માણી અને સમગ્ર પાર્ટીનો મોબાઇલ ફોનમાં વીડિયો પણ ઉતારવામાં આવ્યો.
કેકથી લઈને મીઠાઈ બાદ ડૉનની આ પાર્ટીમાં માછલી અને મટનની દાવત પણ થાય છે અને ડૉનના ખાસ સાથી પાર્ટીની મજા માણે છે. વીડિયોને લઈને ફરી એકવાર સીતામઢી જેલતંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે.