સરકાર દ્વારા વાહનોમાં દેશમાં એચએસઆરપી નંબર પ્લેટનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. બે વખત નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. છતા ગાંધીનગર જિલ્લામાં ૩.૫૫ લાખ વાહનો એચએસઆરપી વિનાના ફરી રહ્યા છે. શહેરમાં નંબર પ્લેટ લગાવવા માટે ૮ ડીલરની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ ડીલરો વધારે ભાવ વસૂલતા હોવાથી વાહન ચાલકો આરટીઓ કચેરીમાં કામગીરી માટે આવી રહ્યા છે. મુદતમાં વધારો કરવામાં આવે છે. પરંતુ કચેરીમાં સ્ટાફ વધારવામાં આવતો નથી, ત્યારે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે.
સરકારે એચએસઆરપી નંબર પ્લેટ તમામ વાહનોમાં લગાવવા ખાનગી ડીલરોની નિમણૂંક કરી છે. પરંતુ ડીલરો મનફાવે તેમ રૂપિયા ખંખેરી રહ્યા છે. પરિણામે વાહન માલિકો ગાંધીનગર આરટીઓ કચેરીમાં કામગીરી માટે આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા કેમ્પ કરવા છતા ૩.૫૫ લાખ વાહનો એસએસઆરપી નંબર પ્લેટ વિના ફરી રહ્યા છે. વાહન માલિકોને પણ નંબર પ્લેટ બદલાવવી છે.પરંતુ કચેરીના અણધડ નિર્ણયના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસભર સર્વર ડાઉન રહેતા અરજદારો ધક્કે ચડ્યા : ગાંધીનગર આરટીઓ કચેરીમાં દિવસભર સર્વર ડાઉન રહ્યુ હતુ. પરિણામે કામગીરી માટે આવતા અરજદારોને ધક્કા ખાવા પડ્યા હહતા. સર્વર ડાઉનને લઇને ગાંધીનગર આરટીઓ કચેરીમાં છાશવારે સર્વર માંદુ પડી જાય છે. પરિણામે અનેક લોકોને હાલાકી વેઠવી પડે છે.
આરટીઓ કચેરીમાં અરજદારે મીનીમમ બે ધક્કા ખાવા પડે છે. એકવાર નાણાં ભરવા અને બીજીવાર નંબર પ્લેટ લગાવવા માટે. કચેરીમાં પણ એક ઇન્સ્પેક્ટરને બેસાડી પહોંચ આપી નાણાં સ્વિકારવામાં આવે જેમાં વાહનને લગતા પુરાવાની નકલ પણ જમા કરાવામાં આવે તો સરળતાથી કામગીરી પૂરી થળ શકે છે. પરંતુ ઓનલાઇનની રામાયણ કરવામાં આવતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.ગાંધીનગર જિલ્લામાં ૩.૫૫ લાખ વાહનો એચએસઆરપી વિનાના ગત ૧૬ ફેબ્રુઆરી સુધી સરકારી આંકડા પ્રમાણે બાકી બોલી રહ્યા છે. બાકી ક્વોટા કેવી રીતે પુરો કરવામાં આવશે તેવા સવાલમાં આરટીઓ અધિકારી ડી એમ પટેલે કહ્યુ કે આગામી દિવસોમાં વધારે કેમ્પ કરવામાં આવશે અને ક્વોટા પુરો કરાશે.તેમ અધિકારીએ વધુમાં જણાવી આ અંગે પગલા લેવામા આવશે તેવી ખાતરી આપી હતી.