નાણામંત્રી નિર્મલા સીતારામને આજે એવા તમામ અહેવાલોને રદિયો આપ્યો હતો કે, જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરના કારણે મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહેશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, બેંકોના મર્જરના લીધે એક પણ નોકરી જશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, એક પણ કર્મચારીને મર્જર બાદ દૂર કરવામાં આવનાર નથી. આ પ્રકારના અહેવાલ ખોટા છે. તેઓ આ બેંકોના દરેક વ્યક્તિને અને દરેક યુનિયનને ખાતરી આપવા માંગે છે કે, છેલ્લા શુક્રવારે જે વાત કરી હતી તે જ વાત તેઓ આજે કહી રહ્યા છે કે, બેંકોના મર્જરના લીધે એક પણ કર્મચારીની નોકરી જનાર નથી.
બેંક કર્મચારી યુનિયન દ્વારા મર્જરના પ્લાનને લઇને વિરોધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે તે અંગે પૂછવામાં આવતા સીતારામને કહ્યું હતું કે, એકપણ કર્મચારીની નોકરી જશે નહીં. સીતારામને શુક્રવારના દિવસે ૧૦ મોટી જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી નાંખવાના મેગા પ્લાનની જાહેરાત કરી હતી. વિશ્વમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભારતમાં પણ આ દિશામાં પહેલ થઇ રહી છે.
સીતારામને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ અને બુસ્ટરની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક યુનિયનો દ્વારા વિરોધની વાત કરવામાં આવી રહી છે.
સરકારના પ્લાન અંગે વાત કરતા ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયને કહ્યું છે કે, ઘણા કર્મચારીઓ પોતની નોકરી ગુમાવી દેશે. સીતારામને કહ્યું છે કે, આર્થિક મંદીને લઇને જે અહેવાલો આવી રહ્યા છે તેમાં ઘણી બધી ચીજો વાસ્તવિક દેખાઈ રહી નથી. દેશમાં મંદીનો માહોલ હોવાનો પણ સીતારામને આજે ઇન્કાર કર્યો હતો. અર્થવ્યવસ્થા મંદીથી ગ્રસ્ત છે કે કેમ, મંદીને સરકાર સ્વીકારે છે કે કેમ તેના જવાબમાં સીતારામને કહ્યું હતું કે, તેઓ ઉદ્યોગના પ્રતિનિધિઓને મળી રહ્યા છે. તેમની સમસ્યા અને સરકારથી તેઓ શું ઇચ્છે છે તેના ઉપર અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. અગાઉ પણ તેઓ બે વખત કહી ચુક્યા છે અને વારંવાર આ વાત કરવા માટે ઇચ્છુક છે. નોકરીઓ ગુમાવવામાં આવી રહી છે તે અંગે સીતારામને કહ્યું હતું કે, મોટાભાગની નોકરી અસંગઠિત ક્ષેત્રમાં હોય છે અને તેમના ડેટા ઉપલબ્ધ નથી. બેંકોના મર્જર પર તેમણે કહ્યું હતું કે, અગાઉ જે મર્જર થયા છે તેના લીધે કોઇની નોકરી ગઈ નથી. કોઇ કર્મચારીઓને છુટા કરાયા નથી. અર્થવ્યવસ્થામાં મોટાભાગની નોકરીઓ અનૌપચારિક ક્ષેત્રોમાં સર્જાય છે જેનો કોઇ ઉલ્લેખ હોતો નથી. બજેટ દરમિયાન કરવામાં આવેલા અનેક નિર્ણયોની અસર દેખાવવા લાગી ગઈ છે. અર્થવ્યવસ્થામાં આવેલી મંદીના કારણે વાહનોના વેચાણમાં ભારે ઘટાડા સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સરકાર ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનું જારી રાખશે પરંતુ અન્ય વાહનોની કિંમત પર રાહત અપાશે નહીં. જીએસટીમાં કાપના સંદર્ભમાં ફેંસલો જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિવેદન પર નાણામંત્રીએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કહી રહ્યા છે કે, રાજકીય પ્રતિશોધની ભાવનામાં સામેલ થવાના બદલે સમજુ લોકો સાથે વાતચીત કરીને રસ્તો કાઢવો જોઇએ. તેમના નિવેદનને લઇને પણ નોંધ લેવામાં આવશે. મનમોહનસિંહે આજે સરકાર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.