દેશના જુદા જુદા રાજ્યમાં રાજ્યપાલોની બદલીઓના આદેશ આજે જારી કરવામાં આવ્યા હતા. જે રાજ્યોમાં રાજ્યપાલોને બદલી દેવામાં આવ્યા છે તેમાં તેલંગાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પણ નવા રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આરીફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચુકેલા આરીફ મોહમ્મદ ખાનને કેરળને નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આરીફને એક પ્રગતિશીલ મુસ્લિમ ચહેરા તરીકે જોવામાં આવે છે. ત્રિપલ તલાક જેવા મુદ્દા ઉપર તેઓએ સ્પષ્ટપણે પોતાના અભિપ્રાય આપ્યા હતા અને આ નિર્ણયને મુસ્લિમ મહિલાઓ માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો. આરીફ મોહમ્મદ ખાન લાંબા સમયથી રાજનીતિથી દૂર રહ્યા છે. ૧૯૮૪માં શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદ દ્વારા કાનૂન બનાવીને બદલી દેવામાં આવ્યા બાદ આનો વિરોધ કરવામાં આવ્યો હતો જેના લીધે કેન્દ્રીય મંત્રીપદથી તેઓએ રાજીનામુ આપ્યું હતું. તેલંગાણામાં તમિળસાંઈ સુંદરરાજનને રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરાખંડના વરિષ્ઠ ભાજપ નેતા ભગતસિંહ કોસિયારીને મહારાષ્ટ્રને અને દત્તાત્રેય હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હજુ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચુકેલા કાલરાજ મિશ્રાને રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.
રાજ્યપાલની જવાબદારી મળ્યા બાદ આરીફ મોહમ્મદ ખાને કહ્યું હુતં કે, તેમને એ રાજ્યમાં સેવા કરવાની તક મળી રહી છે જેને ભગવાનના પોતાના દેશ તરીકે ગણવામાં આવે છે. જ્યાં સાંસ્કૃતિક વિવિધતા રહેલી છે તેવા દેશમાં તેમનો જન્મ થયો છે. આરીફે વંદેમાતરમના ઉર્દૂમાં અનુવાદ પણ કરીને ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં જન્મેલા આરીફ મોહમ્મદ કેન્દ્રીય મંત્રી રહ્યા હતા ત્યારે તેઓએ નાગરિક ઉડ્ડયનથી લઇને ઉર્જા સહિતની જવાબદારી સંભાળી હતી. ખાનને કેરળના ગવર્નર પૂર્વ ચીફ જસ્ટિસ સદાશિવમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની અવધિ પણ પૂર્ણ થઇ રહી છે. તમિળનાડુમાં પૂર્વ ભાજપ અધ્યક્ષ ૫૮ વર્ષીય સુંદરરાજન પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પણ રહ્યા છે.
કોશિયારી મહારાષ્ટ્રના વર્તમાન ગવર્નર વિદ્યાસાગર રાવની જગ્યા લેશે. તેમની અવધિ પણ પૂર્ણ થઇ રહી છે. દત્તાત્રેયને હિમાચલની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, હિમાચલના ગવર્નરની જવાબદારી અદા કરવા તેઓ કટિબદ્ધ છે.