કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. સાયલી એસ.એસ.આર કોલેજ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નમો મેડિકલ કોલેજમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ત્યારબાદ અક્ષયપાત્ર મધ્યાહન ભોજન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં સાયલી ખાતે આવેલી કોલેજમાં લોકો અમિત શાહની સભામાં હાજર રહેવા ઉમટી પડ્યા હતા.
શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર રચાયા બાદ સંઘ પ્રદેશના વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. સંઘ પ્રદેશ જે વિકાસ ઝંખી રહ્યો હતો તે મોદી સરકારે સ્થાનિક પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં પુરો પાડ્યો છે. શાહે કહ્યું કે ગત ૭૦ વર્ષ સુધી કલમ-૩૭૦ અને ૩૫-છ કોઈ સરકારે આ કલમને રદ કરવાનો નિર્ણય નહોતો લીધો. આ નિર્ણયના કારણે આતંકવાદની કબર અંતિમ ખીલ્લો ઠોકી દેવાયો છે. સમગ્ર દેશની જનતા વડાપ્રધાનને આશિર્વાદ આપી રહ્યા છે પરંતુ અમુક લોકો આનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેની પ્રસંશા પાકિસ્તાનની સંસદમાં થાય છે. રાહુલ ગાંધીના નિવેદનોના આધારે પાકિસ્તાન યુ,એન.માં પીટીશન ફાઇલ કરવા ચાલ્યું.
ગૃહ મંત્રી શાહે કહ્યું, “રાહુલ ગાંધી આજકાલથી વિરોધ નથી કરી રહ્યા જ્યારે જે.એન.યુમાં ભારત તેરે ટૂકડે હોંગે નારા લાગ્યા ત્યારે પણ સમર્થનમાં હતા. ભારતે એરસ્ટ્રાઇક કરી ત્યારે પણ રાહુલ ગાંધીએ પુરાવા માંગ્યા, આજે કાશ્મીરમાં બંધારણની કલમ ૩૭૦ દૂર થઈ તેના વિશે પણ સવાલો પૂછી રહ્યાં છે. હું આજે સમગ્ર વિશ્વને કહેવા માંગુ છું કે કાશ્મીરમાં એક પણ ગોળી નથી ચાલી, એક પણ વ્યક્તિની મોત નથી થઈ. રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું કે કોંગ્રેસ ક્યા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે?”આ તબક્કે શાહે બાંગ્લાદેશની લડાઇને યાદ કરાવી. તેમણે કહ્યું કે અમે પણ વિરોધપક્ષમાં હતા.
જ્યારે બાંગ્લાદેશનું વિભાજન થયું ત્યારે ભારતીય જનસંઘે ઇન્દિરાજીનું સંપૂર્ણપણે સમર્થન કર્યુ હતું. જ્યારે દેશહિતના મુદ્દા આવે ત્યારે પક્ષના રાજકારણથી ઉપર ઉઠી અને આગળ આવવાની જરૂર છે.
શાહે વધુંમાં કહ્યું, “ જો કોંગ્રેસ સરકારે પહેલાંથી સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરી હોત તો દેશના યુવાનો અકાળે વૃદ્ધ ન થયાં હોત. મોદી સરકારે દેશનાં ૧૪ કરોડ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. સરકારનું લક્ષ્યાંક છે કે જ્યારે દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો હશે ત્યારે દેશના દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળશે.