બિન્ની બંસલે ફ્લિપકાર્ટને પોતાના ૧ લાખ ૨ હજાર ૩૫૫ શેર ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઈગર ગ્લોબલને વેચ્યા છે. આ શેરની વેલ્યુ ૧.૪ કરોડ ડોલર(૧૦૦ કરોડ રૂપિયા) છે. આ ડીલ બાદ ટાઈગર ગ્લોબલનો ફ્લિપકાર્ટમાં હિસ્સો ૪.૬૩ ટકાથી વધીને ૪.૬૯ ટકા થયો છે. ફ્લિપકાર્ટે રજિસ્ટ્રાર ઓફ કંપનીને આ માહિતી આપી છે. સોમવારે આ વાત જાણવા મળી છે. ગત વર્ષે મેમાં અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટે ૭૭ ટકા શેર ખરીદ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં બિન્ની બંસલે ત્રીજી વાર શેર વેચ્યા છે. હવે તેમની પાસે ફ્લિપકાર્ટના ૩% શેર રહ્યાં છે. આ વર્ષે જૂનમાં ૫૩૧ કરોડ રૂપિયામાં ૫.૪ લાખ શેર વોલમાર્ટને વેચ્યાં હતા. મીડિયા રિપોટ્ર્સના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોલમાર્ટની ડીલના સમયે બિન્નીએ ૧૧૦૩ કરોડ રૂપિયામાં ૧૧ લાખ ૨૨ હજાર ૪૩૩ શેર વેચ્યા હતા.
બિન્ની બંસલે યૌન શોષણના આરોપ બાદ ગત વર્ષે નવેમ્બરમાં ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ પર પરથી રાજીનામું આપ્યું હતું. જોકે તે કંપનીના બોર્ડમાં છે. સચિન અને બિન્ની બંસલે ૨૦૦૭માં ફ્લિપકાર્ટ શરૂ કરી હતી. બિન્ની ૨૦૧૬માં સીઈઓ બન્યા અને વોલમાર્ટની ડીલ બાદ ગ્રુપ સીઈઓ બનાવવામાં આવ્યા હતા.